ટ્રેલરમાંથી દારૂની 60,444 બોટલો મળી; પંજાબના ડ્રાઈવરની ધરપકડ, ક્લીનર સામે પણ કાર્યવાહી
વાવ-થરાદ
વાવ-થરાદ જિલ્લામાં થરાદ પોલીસે મોટી કાર્યવાહી કરી છે. ખોડા ચેકપોસ્ટ પર તપાસ દરમિયાન વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો છે. પોલીસે ટ્રેલરના કન્ટેનરમાંથી 60,444 બોટલો કબજે કરી છે. આ દારૂની કિંમત રૂ.2,98,58,352 થાય છે.
દારૂ અને ટ્રેલર સહિત કુલ રૂ.3,28,75,385નો મુદ્દામાલ જપ્ત કરાયો છે. વાવ-થરાદ જિલ્લાના ઇતિહાસમાં આટલી મોટી માત્રામાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપાયો હોવાની પ્રથમ ઘટના હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે.

ઉચ્ચ અધિકારીઓની સૂચના બાદ ચેકિંગ
બનાસકાંઠા રેન્જના પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડે ચેકિંગ વધારવા સૂચના આપી હતી. આ ઉપરાંત જિલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયા અને થરાદ વિભાગના ડીવાયએસપી એસ.એમ. વારોતરિયાએ પણ માર્ગદર્શન આપ્યું હતું.
આ સૂચના બાદ થરાદ પોલીસ દ્વારા આંતરરાજ્ય ચેકપોસ્ટ પર વાહનોની તપાસ શરૂ કરાઈ હતી. પોલીસ ઇન્સ્પેક્ટર એ.જી. રબારીની દેખરેખ હેઠળ ખોડા ચેકપોસ્ટ પર ચેકિંગ ચાલી રહ્યું હતું.
ટ્રેલર રોકીને તપાસ કરતાં દારૂનો જથ્થો મળ્યો
દરમિયાન સાંચોર તરફથી એક ટ્રેલર આવતું જોવા મળ્યું હતું. ટ્રેલર નંબર PB-10-JH-8951ને પોલીસે રોક્યું હતું. ત્યારબાદ તેના કન્ટેનરની તપાસ કરવામાં આવી હતી.
તપાસ દરમિયાન કન્ટેનરમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. ગણતરી કરતાં કુલ 60,444 બોટલો મળી આવી હતી. આથી પોલીસે દારૂનો સમગ્ર જથ્થો કબજે કર્યો હતો.
રૂ.3.28 કરોડનો મુદ્દામાલ જપ્ત
પોલીસે દારૂની બોટલોની કિંમત રૂ.2,98,58,352 આંકી છે. ઉપરાંત ત્રણ મોબાઈલ ફોન પણ જપ્ત કર્યા છે. તેની કિંમત રૂ.17,000 છે.
બીજી તરફ, ટ્રેલર અને કન્ટેનરની કિંમત રૂ.30 લાખ આંકવામાં આવી છે. આ ઉપરાંત વાહનમાંથી ભૂસાના 10 કટ્ટા, સાધનિક કાગળો, મેણીયા અને તૂટેલી સીલ મળી આવી હતી. આમ, કુલ રૂ.3,28,75,385નો મુદ્દામાલ જપ્ત કરાયો છે.

પંજાબના ડ્રાઈવરની ધરપકડ
આ કેસમાં પોલીસે ટ્રેલરના ચાલકને ઝડપી પાડ્યો છે. તેનું નામ જગતારસિંગ નછતર સિંગ શકદેવસિંગ મડેરે (ઉં.વ.33) છે. તે પંજાબના બારનાલા જિલ્લાના તપામંડીના આનંદપુર બસ્તીનો રહેવાસી છે.
જ્યારે ટ્રેલરમાં સાથે રહેલા ક્લીનર (ખલાસી)ને પણ કાયદાના સંઘર્ષમાં આવેલ વ્યક્તિ તરીકે કાર્યવાહી હેઠળ લેવામાં આવ્યો છે.
વાવ-થરાદ જિલ્લામાં અત્યાર સુધીની મોટી કાર્યવાહી
થરાદ પોલીસે એક જ ટ્રેલરમાંથી 60 હજારથી વધુ દારૂની બોટલો ઝડપી પાડી છે. આ કાર્યવાહીથી દારૂની ગેરકાયદેસર હેરાફેરી સામે મોટી સફળતા મળી છે.
હાલ પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉપરાંત દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ક્યાં પહોંચાડવાનો હતો તે દિશામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
