બેસતા વર્ષની રાત્રે 75થી વધુ ગૌવંશની તબિયત લથડી; ડીસાથી આવેલા લીલા મકાઈના ચારામાં ઝેરી તત્ત્વ હોવાની આશંકા, સાંસદ ગેનીબેન ઠાકોરે રૂ. 5 લાખની સહાય જાહેર કરી
રાહ તાલુકાના ચાંગડા ગામે આવેલી શ્રી ધરણીધર ગૌશાળામાં ગૌવંશનાં મોતની દુઃખદ ઘટના બની છે. બેસતા વર્ષની રાત્રે ગૌશાળામાં 75થી વધુ ગૌવંશની તબિયત અચાનક લથડી હતી. તેમને તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી. જોકે, સારવાર દરમિયાન 44 ગૌવંશનાં મોત થયાં હતાં. અન્ય બીમાર પશુઓને સારવાર આપીને બચાવી લેવામાં આવ્યાં હતાં.

લીલો મકાઈનો ચારો ખાધા બાદ તબિયત લથડી
પ્રાથમિક માહિતી મુજબ ગૌશાળામાં ડીસાથી લીલો મકાઈનો ચારો મંગાવવામાં આવ્યો હતો. આ ચારો ખાધા બાદ ગૌવંશની તબિયત બગડી હોવાની માહિતી મળી છે.ચારામાં ઝેરી દવા અથવા પેસ્ટિસાઇડ્સ ભળ્યાં હોવાની આશંકા વ્યક્ત થઈ રહી છે. જોકે, મોતનું ચોક્કસ કારણ હજુ સામે આવ્યું નથી.ઘટનાની જાણ થતાં પશુપાલન વિભાગ અને સ્થાનિક પશુચિકિત્સક ડૉ. ગઢવી સહિતની તબીબોની ટીમ ગૌશાળાએ પહોંચી હતી. ત્યારબાદ બીમાર પશુઓની સારવાર અને બચાવ કામગીરી શરૂ કરાઈ હતી.
મૃત ગૌવંશનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે. સાથે જ ચારા સહિતના જરૂરી નમૂના લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવ્યા છે. તપાસ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ સ્પષ્ટ થશે.
ગેનીબેન ઠાકોરે ગૌશાળાની મુલાકાત લીધી
ગૌવંશનાં મોતના સમાચાર ફેલાતાં ગૌભક્તો, ગૌરક્ષકો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ગૌશાળા ખાતે પહોંચ્યા હતા. આ ઉપરાંત રાજકીય આગેવાનો પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.બનાસકાંઠાનાં સાંસદ ગેનીબેન ઠાકોર, પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત અને અગ્રણી માંગીલાલ પટેલ સહિતના આગેવાનોએ ગૌશાળાની મુલાકાત લીધી હતી. તેમણે સમગ્ર સ્થિતિની માહિતી મેળવી હતી.
ગેનીબેન ઠાકોરે રૂ. 5 લાખની સહાય જાહેર કરી
સાંસદ ગેનીબેન ઠાકોરે ગૌવંશનાં મોત અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે ચારા અંગેની આશંકાને ધ્યાનમાં રાખીને તંત્ર પાસે તાત્કાલિક અને નિષ્પક્ષ તપાસની માંગ કરી હતી.સાથે જ ગૌશાળાના વિકાસ અને ગૌસેવાના કામો માટે પોતાની ગ્રાન્ટમાંથી રૂ. 5 લાખની સહાય આપવાની જાહેરાત કરી હતી.
વૈદિક મંત્રોચ્ચાર સાથે ગૌવંશને અંતિમ વિદાય
આ દુઃખદ ઘટનાની જાણ જગદ્ગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી મહારાજને પણ કરવામાં આવી હતી. તેમણે ઘટના અંગે દુઃખ વ્યક્ત કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.ત્યારબાદ હજારો ગૌભક્તોની હાજરીમાં મૃત ગૌવંશને અંતિમ વિદાય આપવામાં આવી હતી. વૈદિક મંત્રોચ્ચાર સાથે પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી. આ દરમિયાન ‘ૐ નમો ભગવતે વાસુદેવાય’ અને ‘શ્રીકૃષ્ણ શરણં મમ’ની ધૂન ગુંજી ઊઠી હતી.
ગૌશાળાઓને ચારો ચકાસીને ખવડાવવા અપીલ
આ ઘટનાને પગલે ગૌસાંસદ રામભાઈ રાજપૂતે રાજ્યની તમામ ગૌશાળાઓને અપીલ કરી છે. તેમણે બહારથી મંગાવવામાં આવતા લીલા ઘાસચારાની યોગ્ય ચકાસણી કર્યા બાદ જ પશુઓને ખવડાવવા જણાવ્યું છે.
હાલ ચારા અને અન્ય નમૂનાઓની લેબોરેટરી તપાસ ચાલી રહી છે. તેથી હવે તપાસ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. રિપોર્ટ આવ્યા બાદ જ 44 ગૌવંશનાં મોત પાછળનું ચોક્કસ કારણ જાણી શકાશે.
