નવા જિલ્લામાં ખાલી પડેલી જગ્યાઓ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થતાં ચાર સંવર્ગમાં બઢતી અપાઈ; 37 આર્મ્ડ પોલીસ કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ બન્યા, જ્યારે 53 હેડ કોન્સ્ટેબલને ASI તરીકે બઢતી મળી
વાવ-થરાદ
નવરચિત વાવ-થરાદ જિલ્લા પોલીસ વિભાગમાં દિવાળી પહેલાં ખુશીના સમાચાર સામે આવ્યા છે. જિલ્લા પોલીસ વિભાગમાં ફરજ બજાવતા લાયકાત ધરાવતા કુલ 147 પોલીસ કર્મચારીઓને ઉપરના સંવર્ગમાં બઢતી આપવામાં આવી છે. દિવાળીના તહેવાર પહેલાં મળેલી આ બઢતીની ભેટથી પોલીસ કર્મચારીઓ અને તેમના પરિવારોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલો વાવ-થરાદ જિલ્લો તા. 2 ઓક્ટોબર, 2025થી વિધિવત રીતે કાર્યરત થયો હતો. નવા જિલ્લાની સુરક્ષા વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવા માટે પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓનું કાયમી મહેકમ મંજૂર કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટે વહીવટી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
આ પ્રક્રિયાના ભાગરૂપે જિલ્લા પોલીસ વિભાગ દ્વારા કુલ 147 કર્મચારીઓને બઢતી આપવામાં આવી છે. જેમાં 37 આર્મ્ડ પોલીસ કોન્સ્ટેબલને આર્મ્ડ હેડ કોન્સ્ટેબલ, 5 આર્મ્ડ હેડ કોન્સ્ટેબલને આર્મ્ડ ASI તરીકે બઢતી મળી છે. જ્યારે 52 અનઆર્મ્ડ પોલીસ કોન્સ્ટેબલને અનઆર્મ્ડ હેડ કોન્સ્ટેબલ અને 53 અનઆર્મ્ડ હેડ કોન્સ્ટેબલને અનઆર્મ્ડ ASI તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે.
ચાર સંવર્ગમાં 147 કર્મચારીઓને બઢતી
- 37 કર્મચારી: આર્મ્ડ પોલીસ કોન્સ્ટેબલમાંથી આર્મ્ડ હેડ કોન્સ્ટેબલ.
- 5 કર્મચારી: આર્મ્ડ હેડ કોન્સ્ટેબલમાંથી આર્મ્ડ ASI.
- 52 કર્મચારી: અનઆર્મ્ડ પોલીસ કોન્સ્ટેબલમાંથી અનઆર્મ્ડ હેડ કોન્સ્ટેબલ.
- 53 કર્મચારી: અનઆર્મ્ડ હેડ કોન્સ્ટેબલમાંથી અનઆર્મ્ડ ASI.
જિલ્લા પોલીસ વિભાગ દ્વારા દિવાળીના તહેવાર પૂર્વે લેવાયેલા આ નિર્ણયથી પોલીસ બેડામાં ઉત્સાહનો માહોલ છે. બઢતી મેળવનારા તમામ કર્મચારીઓને જિલ્લા પોલીસ અધિક્ષક સહિતના ઉચ્ચ અધિકારીઓએ શુભેચ્છાઓ પાઠવી નવા હોદ્દાની જવાબદારી સાથે વધુ સારી જનસેવા કરવા પ્રોત્સાહિત કર્યા છે.
