પોક્સો કેસમાં ચાર આરોપીઓ સામે અલગ-અલગ ગુનાઓમાં સજાનો હુકમ; ભોગ બનનારને ₹6 લાખનું વળતર ચૂકવવા પણ આદેશ
(વાવ-થરાદ)
દિયોદરની એડિશનલ સેશન્સ કોર્ટે સગીરાને હેરાન કરવા અને ધમકી આપવાના કેસમાં મહત્વનો ચુકાદો આપ્યો છે. આ કેસમાં મુખ્ય આરોપીને 10 વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી છે. જ્યારે અન્ય આરોપીઓને પણ અલગ-અલગ ગુનાઓમાં કેદ અને દંડની સજા કરવામાં આવી છે. આ ઉપરાંત ભોગ બનનારને ₹6 લાખનું વળતર ચૂકવવાનો હુકમ કરાયો છે.

સગીરાને હેરાન કરી ધમકી આપ્યાનો આક્ષેપ
ફરિયાદ મુજબ, તા. 7 જુલાઈ 2023ના રોજ સગીરા ઘરે એકલી હતી. તે સમયે તેણે એસિડ પી લેતાં પરિવારજનોને જાણ થઈ હતી. ત્યારબાદ તેને તાત્કાલિક દિયોદરની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. વધુ સારવાર માટે પાટણ પણ લઈ જવાઈ હતી.
તબીબી તપાસમાં એસિડ પીવાથી તેની અન્નનળી અને હોજરીને નુકસાન થયું હોવાનું સામે આવ્યું હતું.
ત્યારબાદ તા. 29 ઓગસ્ટ 2023ના રોજ સગીરાએ પરિવારજનોને પોતાની સાથે બનેલી ઘટનાની જાણ કરી હતી. ફરિયાદ મુજબ, આરોપી હિંમતસિંહ રાઠોડ તેને વારંવાર હેરાન કરતો હતો. તેની સાથે સંબંધ બાંધવા દબાણ કરતો હતો. જો વાત નહીં માને તો ગામ અને સમાજમાં બદનામ કરવાની ધમકી આપતો હતો.
આ ઉપરાંત પરિવારના સભ્યોને રાજસ્થાનમાં ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપ્યાનો પણ આક્ષેપ હતો. અન્ય આરોપીઓ પણ બજારમાં અને રસ્તામાં તેને હેરાન કરતા હોવાની ફરિયાદ નોંધાઈ હતી.
પોલીસે પુરાવા એકત્ર કરી ચાર્જશીટ રજૂ કરી
આ કેસની તપાસ PSI જી.એન. દેસાઈએ કરી હતી. તપાસ દરમિયાન ઘટનાસ્થળેથી પુરાવા એકત્ર કરાયા હતા. સાથે જ મેડિકલ રિપોર્ટ, દસ્તાવેજો અને સાક્ષીઓનાં નિવેદનો મેળવવામાં આવ્યાં હતાં.
તપાસ પૂર્ણ થયા બાદ પોલીસે અલગ-અલગ પુરવણી ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી હતી. આ કેસની સુનાવણી દિયોદરના એડિશનલ સેશન્સ જજ આર.ડી. પાંડેની કોર્ટમાં ચાલી હતી.
મુખ્ય આરોપીને 10 વર્ષની સખત કેદ
કોર્ટમાં રજૂ થયેલા પુરાવા અને દલીલોને ધ્યાને લઈ મુખ્ય આરોપી હિંમતસિંહ દીપસિંહ રાઠોડ (દરબાર)ને IPC કલમ 376 અને પોક્સો એક્ટની કલમ 4 હેઠળ દોષિત ઠેરવવામાં આવ્યો હતો.
આ ગુનામાં તેને 10 વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી છે. સાથે ₹5,000નો દંડ પણ ફટકારાયો છે. જો દંડ નહીં ભરે તો વધુ છ મહિનાની સજા ભોગવવાનો હુકમ કરાયો છે.

અન્ય આરોપીઓને પણ કેદ અને દંડ
કોર્ટ દ્વારા અન્ય ગુનાઓમાં પણ સજાનો હુકમ કરવામાં આવ્યો છે.
- હિંમતસિંહ દીપસિંહ રાઠોડ અને મહેશભાઈ ઉર્ફે મનિષભાઈ રાજાભાઈ કરેણ (પટેલ)ને IPC કલમ 354(D) તથા પોક્સો એક્ટની કલમ 12, 17 અને 18 હેઠળ 1 વર્ષ અને 6 મહિનાની સખત કેદની સજા ફટકારવામાં આવી છે. બંનેને અલગથી ₹3,000નો દંડ પણ કરાયો છે.
- તનેરાજસિંહ દીપસિંહ દરબાર અને થાનસિંહ દીપસિંહ દરબારને IPC કલમ 506(2) હેઠળ 1 વર્ષ અને 6 મહિનાની સખત કેદની સજા કરાઈ છે. બંનેને ₹2,000નો દંડ પણ ફટકારાયો છે.
દંડ નહીં ભરવાની સ્થિતિમાં સંબંધિત આરોપીઓને વધારાની કેદ ભોગવવાનો હુકમ પણ કરવામાં આવ્યો છે.
ભોગ બનનારને ₹6 લાખનું વળતર
આ કેસમાં કોર્ટ દ્વારા ભોગ બનનારને ₹6 લાખનું વળતર આપવાનો પણ હુકમ કરવામાં આવ્યો છે. સરકારી વકીલ ડી.વી. ઠાકોરે કોર્ટમાં રજૂ કરેલી દલીલોને ધ્યાને લઈ આ ચુકાદો આપવામાં આવ્યો હોવાનું પ્રેસનોટમાં જણાવાયું છે.
