વાવ-થરાદ: વાવ-થરાદ જિલ્લા ભાજપ દ્વારા 26 નવેમ્બરના રોજ સંવિધાન ગૌરવ દિવસ નિમિત્તે જિલ્લા મથકે સંવિધાન ગૌરવ યાત્રા સહિત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ અંગે જિલ્લા ભાજપ દ્વારા પત્રકાર પરિષદ યોજીને સમગ્ર કાર્યક્રમની વિગતો આપવામાં આવી હતી.
પત્રકાર પરિષદ દરમિયાન ડૉ. બાબાસાહેબ આંબેડકરના ભારતીય બંધારણના ઘડતરમાં રહેલા યોગદાન અને તેમના સમાનતા, સ્વતંત્રતા, ન્યાય તથા બંધુતાના વિચારો અંગે માહિતી આપવામાં આવી હતી. આ ઉપરાંત કેન્દ્ર સરકાર દ્વારા બાબાસાહેબ સાથે જોડાયેલા પંચતીર્થ અને અન્ય સ્મારકોના વિકાસ માટે કરવામાં આવેલા કાર્યોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
કટોકટીના મુદ્દે કોંગ્રેસ પર ભાજપના પ્રહાર
પત્રકાર પરિષદ દરમિયાન ભાજપના વક્તાઓએ વર્ષ 1975માં દેશમાં લાગુ કરવામાં આવેલી કટોકટીનો મુદ્દો ઉઠાવી કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. કટોકટી દરમિયાન નાગરિક સ્વતંત્રતાઓ પર લગાવવામાં આવેલા નિયંત્રણો, રાજકીય ધરપકડો અને મીડિયા સેન્સરશિપના મુદ્દે કોંગ્રેસની ભૂમિકા સામે સવાલો ઉઠાવવામાં આવ્યા હતા.
ભાજપના વક્તાઓએ લોકશાહી અને બંધારણીય મૂલ્યોના રક્ષણ માટે સંવિધાન ગૌરવ દિવસની ઉજવણીનું મહત્વ સમજાવ્યું હતું.
ગૌ સર્કલથી રેફરલ ત્રણ રસ્તા સુધી નીકળશે સંવિધાન ગૌરવ યાત્રા
વાવ-થરાદ જિલ્લા ભાજપના ઉપપ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય અનિલભાઈ માળીએ કાર્યક્રમની વિગતો આપતાં જણાવ્યું હતું કે, 26 નવેમ્બરના રોજ સંવિધાન ગૌરવ યાત્રા ગૌ સર્કલથી શરૂ થઈ રેફરલ ત્રણ રસ્તા સુધી પહોંચશે.
યાત્રાના સમાપન સ્થળે ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવશે. આ સાથે સ્વચ્છતા અભિયાનનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
બંધારણના મૂલ્યોનો સંદેશ લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ
જિલ્લા ભાજપ દ્વારા આયોજિત આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ભારતીય બંધારણના મૂલ્યો, લોકશાહી, સામાજિક સમરસતા અને ડૉ. બાબાસાહેબ આંબેડકરના વિચારોને લોકો સુધી પહોંચાડવાનો છે.
સંવિધાન ગૌરવ દિવસ નિમિત્તે યોજાનારી આ યાત્રામાં ભાજપના આગેવાનો, કાર્યકરો અને નાગરિકોની ઉપસ્થિતિ રહેવાની અપેક્ષા છે.
