વાવના ગંભીરપુરાના વિષ્ણુભાઈ માળીને સજા; ફરિયાદીને રકમ નહીં ચૂકવે તો વધારાના બે માસની કેદ ભોગવવી પડશે
(વાવ-થરાદ)
વાવ તાલુકાના ગંભીરપુરા ગામના વેપારી સામે રૂ. 2.50 લાખના ચેક રિટર્ન કેસમાં ભાભર અદાલતે ચુકાદો આપ્યો છે. અદાલતે આરોપી વિષ્ણુભાઈ હીરાભાઈ માળીને એક વર્ષની સાદી કેદની સજા ફટકારી છે. આ ઉપરાંત, ફરિયાદીને રૂ. 2.50 લાખ ચૂકવવાનો હુકમ કર્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ, ગંભીરપુરા ગામના વિષ્ણુભાઈ હીરાભાઈ માળીએ ભાભરના ફ્રૂટના વેપારી આશીફભાઈ હુશેનભાઈ ઘાંચી પાસેથી છ મહિના માટે હાથ ઉછીના રૂ. 2.50 લાખ લીધા હતા. જોકે, નક્કી કરેલા સમયગાળા બાદ પણ તેમણે આ રકમ પરત કરી નહોતી.
આથી ફરિયાદી આશીફભાઈએ પોતાની રકમની ઉઘરાણી કરી હતી. તે સમયે વિષ્ણુભાઈએ રૂ. 2.50 લાખનો ચેક આપ્યો હતો. ફરિયાદીએ આ ચેક પોતાના બેંક ખાતામાં જમા કરાવ્યો હતો. જોકે, બેંકમાંથી ચેક પરત ફરતાં મામલો અદાલત સુધી પહોંચ્યો હતો.
ત્યારબાદ ફરિયાદીએ વકીલ મહેશકુમાર એસ. જયસ્વાલ મારફતે ભાભર અદાલતમાં ફરિયાદ દાખલ કરી હતી. કેસની સુનાવણી દરમિયાન વકીલની દલીલો અને રજૂઆતોને ધ્યાનમાં રાખીને અદાલતે ચુકાદો આપ્યો હતો.
ભાભર અદાલતના જજ એ.કે. સોમાણીએ તા. 19 નવેમ્બર, 2026ના રોજ ચુકાદો આપ્યો હતો. તેમાં આરોપી વિષ્ણુભાઈ હીરાભાઈ માળીને એક વર્ષની સાદી કેદની સજા ફટકારવામાં આવી છે. સાથે જ ફરિયાદી આશીફભાઈ હુશેનભાઈ ઘાંચીને રૂ. 2.50 લાખની રકમ ચૂકવવાનો હુકમ કરાયો છે.
અદાલતના હુકમ મુજબ, જો આરોપી ફરિયાદીને રૂ. 2.50 લાખની રકમ ચૂકવવામાં નિષ્ફળ જશે તો તેને વધારાના બે માસની કેદ પણ ભોગવવી પડશે.
