વોર્ડની રચનામાં ગરબડના આક્ષેપ સાથે વાવ મામલતદાર કચેરીમાં રજૂઆતો; જૂની મતદાર યાદી મુજબ જ નવી યાદી પ્રસિદ્ધ કરવાની માંગ સાથે સુનાવણી યોજાઈ
વાવ-થરાદ જિલ્લામાં આગામી ગ્રામ પંચાયતની ચૂંટણીઓ પહેલાં જ મતદાર યાદીનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે. મતદાર યાદી અને વોર્ડની રચનાને લઈને લોકોમાં નારાજગી જોવા મળી રહી છે. આ મુદ્દે વાવ મામલતદાર કચેરી ખાતે 500થી વધુ વાંધા અરજીઓ રજૂ કરવામાં આવી છે.
વાવ મામલતદાર કચેરી ખાતે આજે આ અરજીઓ અંગે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. મોટી સંખ્યામાં અરજદારો પોતાની રજૂઆતો સાથે કચેરીએ પહોંચ્યા હતા.
અરજદારોનો આક્ષેપ છે કે ગ્રામ પંચાયતના વોર્ડની રચનામાં ગરબડ કરવામાં આવી છે. અગાઉની મતદાર યાદી અને હાલ તૈયાર થઈ રહેલી યાદીમાં ફેરફારને લઈને પણ લોકોએ સવાલો ઉઠાવ્યા છે.
આ ઉપરાંત, અગાઉની મતદાર યાદી જે રીતે તૈયાર કરવામાં આવી હતી તે જ પ્રમાણે નવી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. આ અંગે લોકોએ લેખિતમાં વાંધા અરજીઓ રજૂ કરી હતી.
500થી વધુ વાંધા અરજીઓ મળતાં વહીવટી તંત્ર દ્વારા અરજદારોની રજૂઆતો સાંભળવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. હવે આ અરજીઓની તપાસ બાદ તંત્ર શું નિર્ણય લે છે તે જોવાનું રહેશે.
ગ્રામ પંચાયતની ચૂંટણી પહેલાં જ મતદાર યાદી અને વોર્ડની રચનાનો મુદ્દો સામે આવતાં સ્થાનિક રાજકારણમાં પણ ચર્ચા શરૂ થઈ છે. ખાસ કરીને વાંધા અરજીઓનો નિકાલ કેવી રીતે કરવામાં આવે છે અને નવી મતદાર યાદીમાં શું ફેરફાર થાય છે તેના પર ગ્રામજનોની નજર છે.
