ઇરાનનાં ચોબાર બંદર ઉપરથી માલ-સામાન ખાલી કરી અને પોરબંદર તરફ આવી રહેલા પોરબંદરનાં એક જહાજે તોફાની દરિયામાં જળસમાધી લઇ લીધી હતી. આ વહાણનાં ૧૦ ખલાસીઓ પૈકી ૯ ને બચાવી લેવામાં આવ્યાં છે. જયારે એક ખલાસીનું મોત નિપજયા હોવાનું જાણવા મળી રહયું છે. પોરબંદરનું મે.જમના શિપીંગનું માલિકીનું વહાણ જમના સાગર રજીસ્ટ્રર નં.પીબીઆર ૧૩૦૫ ઇરાનનાં ચોબાર બંદર ઉપરથી માલ-સામાન ખાલી કરી અને પોરબંદર તરફ આવવા નિકળ્યું હતું. તા.૬-૮-ર૦રરનાં રોજ ચોબાર બંદરેથી રવાના થયેલુ આ જમના સાગર નામનું આ વહાણ ગ્વાદરથી આશરે ૧૦૦ નોટીકલ માઇલ દુર પહોંચ્યું હતું. એ દરમિયાન વહાણમાં પાણી ભરાવા લાગ્યું હતું. અને ડુબવાની સ્થિતિ ઉપર પહોંચ્યું હતું. આ જહાજનાં ખલાસીઓએ તેમના માલિકને જાણ કરતાં તેમણે તુરંત જ એમઆરસીસી મુંબઇને જાણ કરતાં તેમણે તુરંત જ આ વહાણને બચાવવા માટે ત્યાંથી પસાર થતી શીપ -ટેન્કર એમટી ક્રુબેકેને જાણ કરતાં તેમણે તુરંત જ ડુબી રહેલા વહાણનાં ખલાસીઓને બચાવવા માટે કામગીરી હાથ ધરી હતી. જેમાં ૯ ખલાસીઓને બચાવી લેવામાં સફળતા મળી હતી. જયારે ૧ ખલાસીનું દરિયામાં ડુબી જવાથી મોત થયું હતું. બચાવી લેવામાં આવેલા ૯ ખલાસીઓને દુબઇ લઇ જવામાં આવ્યાં છે. આ વહાણ ૫૦૦ મેટ્રીક ટનનું અને દોઢ કરોડની કિંમતનું હોવાનું જાણવા મળી રહયું છે. આ વહાણે જળસમાધી લઇ લેતા શીપીંગ કંપનીનાં માલિકને મોટુ નુકશાન વેઠવું પડયું છે.