200 ગ્રામ વજનનો નવલખો હાર માતાજીના ચરણે ધરાવાયો; વહેલી સવારથી દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા, બપોરે અન્નકૂટનાં દર્શન યોજાયાં
બનાસકાંઠા જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે નૂતન વર્ષના પ્રથમ દિવસે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. વહેલી સવારથી જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ માતાજીનાં દર્શન માટે પહોંચ્યા હતા. ભક્તોએ માતાજીનાં દર્શન કરી નવા વર્ષની શુભ શરૂઆત કરી હતી.
આ પ્રસંગે બપોરે માતાજીને અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. સાથે જ ચેન્નઈના એક ભક્ત પરિવારે માતાજીને આશરે 26 લાખ 91 હજાર રૂપિયાની કિંમતનો સોનાનો નવલખો હાર અર્પણ કર્યો હતો.
વહેલી સવારથી દર્શન માટે ભક્તોની ભીડ
વિક્રમ સંવતના નવા વર્ષના પ્રથમ દિવસે અંબાજી મંદિરે દર્શનનું વિશેષ મહત્વ હોય છે. તેથી વહેલી સવારથી જ માઈભક્તો મંદિરે ઉમટી પડ્યા હતા.મંદિર પરિસર ‘જય જય અંબે’ના નાદથી ગુંજી ઊઠ્યું હતું. બપોરના સમયે માતાજીને વિશેષ અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત મોટી સંખ્યામાં ભક્તોએ અન્નકૂટનાં દર્શનનો લાભ લીધો હતો.

ચેન્નઈના પરિવારે 200 ગ્રામનો સોનાનો હાર અર્પણ કર્યો
નવા વર્ષના પાવન પ્રસંગે ચેન્નઈમાં રહેતા એક ભક્ત પરિવારે માતાજીને સોનાનો નવલખો હાર અર્પણ કર્યો હતો. આ હારનું વજન 200 ગ્રામ હોવાનું જાણવા મળ્યું છે.આ હારની અંદાજિત કિંમત 26 લાખ 91 હજાર રૂપિયા હોવાનું જણાવાયું છે. પરિવાર દ્વારા માતાજી પ્રત્યેની શ્રદ્ધા વ્યક્ત કરવા આ ભેટ ધરાવવામાં આવી હતી.
પૂજા-અર્ચના બાદ માતાજીને હાર અર્પણ કર્યો
હાર અર્પણ કરતાં પહેલાં ભક્ત પરિવારે મંદિરમાં વિશેષ પૂજા-અર્ચના કરી હતી. ત્યારબાદ શ્રદ્ધાભાવ સાથે સોનાનો હાર માતાજીનાં ચરણે ધરાવ્યો હતો.નવા વર્ષના દિવસે અન્નકૂટનાં દર્શન અને સોનાના હારની ભેટને કારણે મંદિર પરિસરમાં ભક્તિભાવનો માહોલ જોવા મળ્યો હતો.
