મહાદેવીયા ગામ પાસે 500 મીટર પહોળો ડેમ બનાવવાની સૈદ્ધાંતિક મંજૂરી; ડીસા અને કાંકરેજ તાલુકાનાં 100 ગામોને ભૂગર્ભજળ રિચાર્જનો લાભ મળવાની આશા
બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના મહાદેવીયા ગામ પાસે બનાસ નદી પર ₹581 કરોડના ખર્ચે ફિશ સ્કેલ વિયર ડેમ બનાવવાની રાજ્ય સરકાર દ્વારા સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. આ યોજનાથી બનાસ નદીના વધારાના પાણીનો સંગ્રહ કરી ભૂગર્ભજળ રિચાર્જ કરવાની દિશામાં કામગીરી હાથ ધરવામાં આવશે. ડીસા તાલુકાનાં 70 અને કાંકરેજ તાલુકાનાં 30 મળી કુલ 100 ગામોને તેનો લાભ મળવાની શક્યતા છે.
નદીનો પટ ખૂબ પહોળો હોવાથી અગાઉ અહીં અલગ-અલગ સ્થળોએ ચેકડેમ બનાવવાનું આયોજન વિચારવામાં આવ્યું હતું. જોકે, હવે ડેમ નિર્માણના અનુભવ ધરાવતી IIT રૂરકીની મદદથી ફિશ સ્કેલ સ્ટેપ્ડ વિયર ડેમ બનાવવાનું આયોજન કરાયું છે. બનાસ નદીની પાણી રિચાર્જ કરવાની ક્ષમતાને ધ્યાનમાં રાખીને આ યોજના તૈયાર કરવામાં આવી છે.
500 મીટર પહોળાઈ અને 2.72 કિ.મી. લાંબું જળાશય
મહાદેવીયા પાસે બનનારા આ ડેમની પહોળાઈ 500 મીટર રહેશે. તેમાં સાત સ્ટેપ એટલે કે મોટા પગથિયાં બનાવવામાં આવશે. દાંતીવાડા અને સીપુ ડેમમાંથી છોડવામાં આવતા પાણીનો અહીં સંગ્રહ કરી શકાશે. ડેમના ઉપરવાસમાં આશરે 2.72 કિલોમીટર લાંબું જળાશય બનશે. નદીના ઉત્તર કાંઠે 4,795 મીટર લાંબી પાળો બનાવવાનું પણ આયોજન છે.
2029 સુધી કામ પૂર્ણ કરવાનું લક્ષ્ય
ડેમની ફાઇનલ ડિઝાઇન તૈયાર કરવાની કામગીરી સોંપવામાં આવી છે. વર્ષ 2029 સુધીમાં નિર્માણકાર્ય પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. પ્રથમ તબક્કામાં ડેમ અને જળસંગ્રહની કામગીરી હાથ ધરાશે, જ્યારે બીજા તબક્કામાં આ વિસ્તારને સ્થાનિક પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માટે વિવિધ પ્રકલ્પોનું આયોજન કરવામાં આવશે.
આ યોજના પૂર્ણ થયા બાદ બનાસ નદીના વધારાના પાણીનો સંગ્રહ, ભૂગર્ભજળના સ્તરમાં સુધારો અને આસપાસનાં ગામોને પાણીના રિચાર્જમાં મદદ મળવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.
