ગુજરાત રાજ્યમાં વારંવાર વાયરલ થયાની ઘટના સામે આવતી રહે છે. ત્યારે વધુ એક પેપર વાયરલ થયાની ઘટના સામે આવી છે. જેમાં હવે ધો-10નું હિન્દીનું પેપર વાયરલ થયાની ચર્ચાએ ભારે જોર પકડ્યું છે. જો કે, તમને જાણીને કદાચ નવાઇ લાગશે કે આ પેપર વાયરલનું કનેક્શન છેક મહીસાગર સુધી જોવા મળી રહ્યું છે. આથી, મહીસાગર જિલ્લો વધુ એક વખત પેપરને લઇને વિવાદમાં આવ્યો છે. આ મામલે સંતરામપુર તાલુકાના કાળીબેલ ગામના શૈલેષ પટેલની ધરપકડ કરાઇ છે.

- પેપર અઢી કલાક પહેલાં વાયરલ થયું હોવાનો દાવો
ધોરણ 10નું હિન્દીનું પેપર વિતરણ બાદ તરત જ વાયરલ થયું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. પેપર અડધો કલાક પહેલાં નહીં પરંતુ અઢી કલાક પહેલાં વાયરલ થયું હતું. પરીક્ષા 10.15 એ શરૂ થઈ હતી અને પેપર 10.47 એ વાયરલ થયું હતું. સોશિયલ મીડિયા પર પેપર અડધો કલાક બાદ મુકાયું હતું. 11:52 મિનિટે પેપરની આન્સર કી સાથે તેનું સોલ્યુશન પણ ફરતું થઇ હોવાના સમાચારે જોરપકડ્યું હતું
વધુમાં તમને જણાવી દઇએ કે, ‘સોશિયલ મીડિયા પર ધો. 10નું હિન્દી પેપર વાયરલ થવા મામલે કોપી કેસ નોંધાયો છે. 5 લોકો સામે કોપી કેસનો ગુનો નોંધાયો છે. જેમાં અમિત તાવિયાડ, સુરેશ ડામોર, શૈલેષ પટેલ અને ઘનશ્યામ ચારેલના નામ સામે આવ્યાં છે. પેપર વાયરલ કરનાર 4 લોકોની પોલીસે અટકાયત કરી છે.જો કે, પેપર વાયરલ કરનાર એક વ્યક્તિ હજુ પોલીસની પકડથી દૂર છે. અમિત તાવિયાડે પેપરનો ફોટો વોટ્સએપ પરથી સુરેશ ડામોરને મોકલ્યો હતો. સુરેશ ડામોરે આ ફોટો ઘનશ્યામ ચારેલને મોકલ્યો હતો. બાદમાં ઘનશ્યામ ચારેલે પેપરના ફોટોની પ્રિન્ટ કાઢી સુરેશને આપી હતી. ઘનશ્યામને પેપરની પ્રિન્ટ કાઢી સુરેશને આપવાની સૂચના મળી હતી. ઘનશ્યામ ચારેલને આ સૂચના ફુઆના દીકરા જયેશ ડામોરે આપી હતી. સુરેશ ડામોરે પેપર માટે શૈલેષ પટેલનો સંપર્ક કર્યો હતો. શૈલેષ પટેલ વૃદાંવન આશ્રમ શાળાનો શિક્ષક છે. જ્યારે અમિત તાવિયાડ ભૂતપૂર્વ વિદ્યાર્થી અને શૈલેષનો ઓળખીતો છે.