વાવ-થરાદ એન્ટી નાર્કોટીક્સ વિંગ અને SOGની સંયુક્ત કાર્યવાહી; રૂ. 2.90 લાખનો મુદ્દામાલ કબજે, NDPS એક્ટ હેઠળ ગુનો નોંધાયો
થરાદ: વાવ-થરાદ જિલ્લા પોલીસ દ્વારા નશીલા પદાર્થો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે થરાદ તાલુકાના જેતડા ગામની સીમમાં આવેલા એક ખેતરમાંથી પોલીસે 580 ગ્રામ અફીણનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહી દરમિયાન એક શખ્સને પકડી પાડવામાં આવ્યો છે. પોલીસે અફીણ સહિત કુલ રૂ. 2,90,500નો મુદ્દામાલ કબજે કર્યો છે.
પોલીસને મળી હતી ખાનગી બાતમી
પોલીસના જણાવ્યા મુજબ, એન્ટી નાર્કોટીક્સ વિંગ અને વાવ-થરાદ SOGની ટીમને ખાનગી રાહે બાતમી મળી હતી. આ બાતમીના આધારે પોલીસ ટીમે જેતડા ગામની સીમમાં દાનાભાઈ આંબાભાઈ રબારી (પાનકુટા)ના રહેણાંક ધરાવતા ખેતરમાં તપાસ હાથ ધરી હતી.
તપાસ દરમિયાન ખેતરમાંથી ગેરકાયદેસર રીતે રાખેલો 580 ગ્રામ અફીણનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે આ અફીણની કિંમત રૂ. 2,90,000 આંકી હતી. અન્ય મુદ્દામાલ સહિત કુલ રૂ. 2,90,500નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.
NDPS એક્ટ હેઠળ કાર્યવાહી
આ મામલે પોલીસે દાનાભાઈ આંબાભાઈ રબારી (પાનકુટા), રહે. જેતડા ગામની સીમ, તા. થરાદને પકડી પાડ્યા હતા. ત્યારબાદ થરાદ પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચનાથી કાર્યવાહી
બનાસકાંઠા રેન્જના ઇન્ચાર્જ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ અને વાવ-થરાદ જિલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયાની સૂચના મુજબ આ કાર્યવાહી કરવામાં આવી હતી.
એન્ટી નાર્કોટીક્સ વિંગના પોલીસ ઇન્સ્પેક્ટર આર.પી. વણઝારા તથા તેમની ટીમ અને વાવ-થરાદ SOGના પોલીસ કર્મચારીઓ આ કાર્યવાહીમાં જોડાયા હતા.
પોલીસની નશીલા પદાર્થો સામેની કાર્યવાહીથી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.
