રૂમમાં ભૂલાઈ ગયેલો કિંમતી સામાન સ્ટાફને મળ્યો; માલિક ચેતનભાઈ નાઈએ દક્ષાબેનનો સંપર્ક કરી તમામ સામાન સુરક્ષિત પરત કર્યો
(વાવ-થરાદ)
આજના સમયમાં પણ ઈમાનદારી અને માનવતાના કિસ્સા સામે આવે છે. આવો જ એક કિસ્સો થરાદમાં બન્યો છે. અહીં ગેસ્ટ હાઉસના માલિક અને સ્ટાફે મુસાફરનો કિંમતી સામાન પરત કર્યો છે.
મળતી માહિતી મુજબ, જામનગરથી અજમેર તરફ જઈ રહેલાં દક્ષાબેન વિરમાભાઈ વાળા થરાદના કુળદેવી ચામુંડા એન્ડ ગેસ્ટ હાઉસમાં રોકાયાં હતાં. તેઓ ગેસ્ટ હાઉસના રૂમ નંબર 104માં ઉતર્યાં હતાં.
પ્રવાસ દરમિયાન ઉતાવળમાં તેઓ પોતાનો કિંમતી સામાન રૂમમાં જ ભૂલી ગયાં હતાં. આ સામાનમાં સોનાની બુટ્ટી, રોકડ રકમ અને અગત્યનાં દસ્તાવેજો હતાં.

સફાઈ દરમિયાન સ્ટાફને મળ્યો કિંમતી સામાન
મુસાફર ગેસ્ટ હાઉસમાંથી નીકળી ગયા બાદ સ્ટાફ રૂમની સફાઈ કરી રહ્યો હતો. તે દરમિયાન તેમને રૂમમાંથી કિંમતી સામાન મળી આવ્યો હતો. સ્ટાફે તરત જ આ અંગે ગેસ્ટ હાઉસના માલિક ચેતનભાઈ રવજીભાઈ નાઈને જાણ કરી હતી.
માલિકે મુસાફરનો સંપર્ક કરી સામાન પરત કર્યો
ચેતનભાઈ નાઈ અને તેમના સ્ટાફે સામાનના મૂળ માલિકનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ દક્ષાબેન વાળાને તેમનો તમામ સામાન સુરક્ષિત રીતે પરત સોંપ્યો હતો.
પોતાનો કિંમતી સામાન હેમખેમ પરત મળતાં દક્ષાબેને રાહત અનુભવી હતી. સાથે જ તેમણે ગેસ્ટ હાઉસના માલિક અને સ્ટાફનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.
થરાદમાં ઈમાનદારીની થઈ રહી છે પ્રશંસા
ગેસ્ટ હાઉસના માલિક ચેતનભાઈ નાઈ અને સ્ટાફના આ કાર્યની પંથકમાં પ્રશંસા થઈ રહી છે. પ્રવાસીનો કિંમતી સામાન પરત કરીને તેમણે ઈમાનદારીનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ ઘટનાએ ફરી સાબિત કર્યું છે કે માનવતા અને ઈમાનદારી આજે પણ જીવંત છે.
