યુવાનોને તાલીમ અને લોનની વ્યવસ્થા કરાશે; ખેડૂતોને ટપક સિંચાઈ માટે 80થી 90 ટકા સબસિડી અપાવવા પ્રયાસ, બનાસ શીત કેન્દ્ર ખાતે નવા વર્ષની ખાટલા બેઠક યોજાઈ
થરાદના બનાસ શીત કેન્દ્ર ખાતે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરીની ખાટલા બેઠક યોજાઈ હતી. નવા વર્ષની શરૂઆત નિમિત્તે આ બેઠકનું આયોજન કરાયું હતું. શંકરભાઈ ચૌધરીએ ઉપસ્થિત લોકોને રામ-રામ કહી નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી.આ બેઠકમાં રાજકીય આગેવાનો, ભાજપના કાર્યકરો, સામાજિક અગ્રણીઓ અને મોટી સંખ્યામાં સ્થાનિક લોકો જોડાયા હતા.
ખાટલા બેઠકમાં વિકાસ અને રોજગારીના મુદ્દે ચર્ચા

બેઠકમાં શંકરભાઈ ચૌધરીએ ખેતી, શિક્ષણ અને રોજગારી અંગે વાત કરી હતી. તેમણે લોકોને સંબોધતાં કહ્યું હતું કે, “જેને આગળ વધવું છે તેને પડવા નહીં દઈએ, હું તમારા પડખે ઊભો છું.”
તેમણે વાવ-થરાદના યુવાનોને નોકરીની સાથે વ્યવસાય તરફ પણ આગળ વધવા અપીલ કરી હતી. યુવાનો પોતાનો વ્યવસાય શરૂ કરે અને બીજા લોકોને રોજગારી આપે તે જરૂરી હોવાનું જણાવ્યું હતું.
વાવ-થરાદમાં 1,000 ઉદ્યોગપતિ તૈયાર કરાશે
શંકરભાઈ ચૌધરીએ વાવ-થરાદમાં 1,000 ઉદ્યોગપતિ તૈયાર કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. આ માટે યુવાનોને જરૂરી તાલીમ આપવાની વાત કરી હતી.સાથે જ પોતાનો વ્યવસાય શરૂ કરવા ઇચ્છતા યુવાનોને લોન મેળવવામાં મદદ કરવાનું આશ્વાસન આપ્યું હતું. તેમણે ખેતીની સાથે ઉદ્યોગ ક્ષેત્રે પણ આગળ વધવા યુવાનોને અપીલ કરી હતી.
ખેડૂતોને ટપક સિંચાઈ માટે સબસિડી અપાવવા પ્રયાસ
ખેતીમાં પાણી બચાવવા શંકરભાઈ ચૌધરીએ ખેડૂતોને ટપક સિંચાઈ પદ્ધતિ અપનાવવા જણાવ્યું હતું. આ પદ્ધતિથી પાણીનો યોગ્ય ઉપયોગ થઈ શકે છે. તેથી સમગ્ર વિસ્તારમાં તેનો વધુ ઉપયોગ થાય તે જરૂરી હોવાનું તેમણે જણાવ્યું હતું.
ટપક સિંચાઈ માટે ખેડૂતોને 80થી 90 ટકા સુધી સબસિડી મળે તે અંગે મુખ્યમંત્રી સાથે હકારાત્મક ચર્ચા થઈ હોવાનું પણ તેમણે કહ્યું હતું. જોકે, આ સબસિડી અંગેનો પ્રયાસ હોવાનું તેમણે જણાવ્યું હતું.
તાલુકાવાર લાઇબ્રેરી બનાવવાની વાત
શિક્ષણ અંગે વાત કરતાં તેમણે તાલુકાવાર લાઇબ્રેરી બનાવવાની યોજના રજૂ કરી હતી. આ માટે એક કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કરવાની વાત કરી હતી.આ લાઇબ્રેરીથી યુવાનોને અભ્યાસમાં મદદ મળશે. સાથે જ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે પણ સુવિધા ઊભી થઈ શકશે.

રાજકીય અને સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત
આ ખાટલા બેઠકમાં પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ, APMC ચેરમેન શૈલેશભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ હરચંદભાઈ પરમાર, ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ, દિયોદરના ધારાસભ્ય કેશાજી ચૌહાણ અને રાજ્યમંત્રી સ્વરૂપજી ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા.આ ઉપરાંત અમીરામભાઈ આશલ, ડી.ડી. રાજપૂત, જિલ્લા ભાજપ પ્રમુખ ડો. નરેશ ઠાકોર, બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કિર્તીસિંહ વાઘેલા, રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર, ગુમાનસિંહજી ચૌહાણ અને બનાસબેંકના ચેરમેન ડાયાભાઈ પીણીયાતર પણ હાજર રહ્યા હતા.થરાદ નગરપાલિકા પ્રમુખ અર્જુનસિંહ વાઘેલા, કમલેશભાઈ આચાર્ય, ડો. કરશનભાઈ પટેલ, ઉમેદાનજી ગઢવી અને જોગાજી રાજપૂત સહિતના અગ્રણીઓ પણ બેઠકમાં જોડાયા હતા.આ ઉપરાંત ભાજપના કાર્યકરો, સામાજિક આગેવાનો અને સ્થાનિક નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. નવા વર્ષની શુભેચ્છા સાથે યોજાયેલી આ ખાટલા બેઠકમાં ખેતી, શિક્ષણ અને ઉદ્યોગ ક્ષેત્રે વાવ-થરાદના વિકાસ અંગે ચર્ચા થઈ હતી.
