બનાસકાંઠાની 13 તાલુકા પંચાયતોના વિજેતા પ્રમુખ અને પ્રમુખના નામ જાહેર થતાં જ સમર્થકોએ જીતનો જશ્ન મનાવ્યો..
- 13 તાલુકા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી યોજાઇ
- દાંતામાં ટાઈ થતાં ચિઠ્ઠી ઉછાળતાં પ્રમુખ કોંગ્રેસના અને ઉપપ્રમુખ ભાજપના
- વડગામ અને ભાભરમાં સ્થાનિક ધારાસભ્ય ગેની બેન ઠાકોર કોંગ્રેસ પાસેથી ભાજપે સત્તા આંચકી ગાબડું પડ્યું ….
- દિયોદરમાં ટાઇ બાદ ચિઠ્ઠી ઉછળતા ભાજપના પ્રમુખ-ઉપપ્રમુખ નિયુક્ત
- કાંકરેજમાં ભાજપના ગઢમાં ગાબડું પાડી કોંગ્રેસ પુનઃસતારૂઢ થઇ
- વડગામમાં આશરે 25 વર્ષ પછી ભાજપે કોંગ્રેસ પાસેથી સત્તા પડાવી
બનાસકાંઠા જિલ્લાની 13 તાલુકા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખની બુધવારે ચૂંટણી યોજાઈ હતી. જેમાં વડગામ અને ભાભર તાલુકા પંચાયતમાં કોંગ્રેસ પાસેથી ભાજપે સત્તા આંચકી લીધી હતી. દિયોદર તાલુકા પંચાયત પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટેની ચૂંટણીમાં ટાઇ પડતાં ચૂંટણી પ્રક્રિયાના અધ્યક્ષ દ્વારા ચિઠ્ઠી બનાવી નાની બાળકી પાસેથી ઉઠાવતા ભાજપ પ્રમુખ અને ઉપપ્રમુખ ચુંટાઈ આવ્યા હતા.
જ્યારે કાંકરેજ તાલુકા પંચાયતમાં ભાજપના ગઢમાં ગાબડું પાડી કોંગ્રેસ પુનઃસતારૂઢ થઇ હતી. ચૂંટણીના પરિણામ પછી 9 તાલુકા પંચાયતમાં ભાજપ અને 3 તાલુકા પંચાયતમાં કોંગ્રેસ સત્તાસ્થાને રહી છે. જ્યારે દાંતા તાલુકા પંચાયતમાં ટાઇ પડી કોંગ્રેસના પ્રમુખ અને ભાજપના ઉપપ્રમુખ ચૂંટાયા હતા. વડગામ તાલુકા પંચાયતમાં આશરે 25 વર્ષ પછી ભાજપે કોંગ્રેસ પાસેથી સત્તા પડાવી છે. આ ઉપરાંત હાઇકોર્ટનો મનાઈ હુકમ ચાલુ હોવાથી લાખણી તાલુકા પંચાયતની ચૂંટણી મોકુફ રહી હતી.
ડીસા તાલુકા પંચાયતમાં ભાજપે સત્તા જાળવી રાખી
ડીસા : ડીસા તાલુકા પંચાયતમાં ભાજપના 26, કોંગ્રેસના 11 અને અપક્ષના એક મળી કુલ 38 મત પૈકી પ્રમુખ તરીકે ભાજપના જીજાબેન બોકરવાડીયાને 27 મત અને રાઇબેન ભૂનેશાને 11 મત મળ્યાં હતાં. જ્યારે ઉપપ્રમુખ તરીકે ભાજપના રાધાબા સોલંકીને 27 મત અને કોંગ્રેસના વિરસીગ જાદવને 11 મત મળ્યાં હતાં. આમ ડીસા તાલુકા પંચાયતમાં ભાજપે સત્તા જાળવી રાખતાં પ્રમુખ તરીકે જીજાબેન બોકરવાડીયા અને ઉપપ્રમુખ તરીકે રાધાબા સોલંકી વિજેતા બન્યા હતા
પાલનપુર તાલુકા પંચાયત પર કોંગ્રેસે બેઠક જાળવી રાખી
પાલનપુર : પાલનપુર તાલુકા પંચાયતના બીજી ટર્મના પ્રમુખ-ઉપપ્રમુખની વરણી કરવા માટે ચૂંટણી અધિકારી એસ.ડી. ગિલવાના અધ્યક્ષસ્થાને ચૂંટણી યોજાઈ હતી.જેમાં કોંગ્રેસના પ્રમુખપદના ઉમેદવાર સંગીતાબેન વિનોદભાઈ ડાકાને 23 મત મળ્યા હતા. જ્યારે તેમના હરીફ ઉમેદવાર ભાજપના શારદાબેન રમેશભાઈ જુડાલને 11 મત મળ્યા હતા. એવી જ રીતે ઉપ પ્રમુખપદના ઉમેદવાર રાજેશ જવાનજી ઠાકોરને 23 જ્યારે હરીફ ઉમેદવાર ભાજપના લાખુંસિંગને 11 મત મળ્યા હતા.
ધાનેરા તાલુકા પંચાયતમાં ફરી ભાજપનો ભગવો લહેરાયો
ધાનેરા : ધાનેરા તાલુકા પંચાયતની બીજા ટર્મની ચૂંટણી ધાનેરા પ્રાંત અધિકારીના અધ્યક્ષસ્થાને પંચાયતના સભાખંડમાં ચુંટણી યોજાઇ હતી. જેમાં ભાજપના 17 તથા કોંગ્રેસના 8 સભ્યો તેમજ એક અપક્ષ સભ્ય હાજર રહેલ અને મતદાનમાં નારણભાઇને 8 મતો મળ્યા હતા. જ્યારે સોનાભાઇને 18 મત મળતાં વિજેતા જાહેર કર્યા હતા. જ્યારે ઉપપ્રમુખ માટે કચુબા પરબતસિંહ ઠાકોર બીનહરીફ વિજેતા જાહેર કર્યા હતા.
કાંકરેજ તા.પં.માં કોંગ્રેસે મેદાન માર્યું…
શિહોરી : કાંકરેજ તાલુકા પંચાયત પ્રમુખ-ઉપપ્રમુખ માટેની ચૂંટણી તાલુકા પંચાયત કચેરીના સભાખંડમાં પુરવઠા અધિકારી અને તાલુકા વિકાસ અધિકારી કાંકરેજ અનિલભાઈ ત્રિવેદીની ઉપસ્થિતમાં યોજાઈ હતી. કાંકરેજ પંચાયતમાં 30 સભ્યોમાં 21 કોંગ્રેસ, ભાજપના 8 અને અપક્ષના 1 ઉમેદવાર વિજેતા થયા હતા. જ્યારે કોંગ્રેસના એક સભ્યનું અવસાન થયું હતું. જેમાં કોંગ્રેસ પક્ષના ક્રિષ્નાબેન રમતુજી ઠાકોરને 29 સભ્યોમાંથી 15 સભ્યોએ આંગળી ઊંચી કરી પ્રમુખ પદ માટે ઘોષિત કર્યા હતા તેની સામે ભાજપના કંચનબેન દિનેશકુમાર ઠક્કરને 14 સભ્યોનો ટેકો રહ્યો હતો. ત્યારે કોંગ્રેસના ઉમેદવાર 1 મતે વિજય થયા હતા. જ્યારે ઉપપ્રમુખપદે કોંગ્રેસના રામસિંહભાઇ રબારી વિજેતા થયા હતા. ચૂંટણીમાં શિહોરી પોલીસ સ્ટેશનના પીએસઆઇ એસ.વી.આહીર અને ભીલડી પોલીસ સ્ટેશનના પીએસઆઇ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
થરાદ તાલુકા પંચાયતમાં ભાજપે બહુમતીથી સત્તા હાંસલ કરી
થરાદ : થરાદ તાલુકા પંચાયત કચેરી મિટિંગ હોલ ખાતે પ્રાંત અધિકારી વી.સી.બોડાણા તેમજ તાલુકા વિકાસ અધિકારી વી.આર.ચૌધરીની ઉપસ્થિતમાં પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી યોજાઇ હતી. જેમાં કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારોને 8 પક્ષના 1 અપક્ષ મળી કુલ 9 મતો મળ્યા હતા. જ્યારે ભાજપ પક્ષને 21 સભ્યોના મતો મળતાં બહુમતી સાથે પ્રમુખ દાનાજી ધનાજી માળી, ઉપપ્રમુખ ધીરજભાઈ હેમરાજભાઈ પટેલ ચૂંટાઈ આવતાં સભ્યો તેમજ પક્ષના સમર્થકોમાં આનંદ ઉત્સાહ છવાયો હતો.
દાંતા તાલુકા પંચાયતમાં પ્રમુખ કોંગ્રેસના,ઉપપ્રમુખ ભાજપના
દાંતા : દાંતા તાલુકા પંચાયતમાં 26 સભ્યોમાંથી 17 કોંગ્રેસ, 9 ભાજપના સભ્યો ચૂંટાયા હતા. ત્યારે અઢી વર્ષની ટર્મ પુરી થતાં બીજા ટર્મની તાલુકા પંચાયત ખાતે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી પ્રક્રિયા યોજાઈ હતી. દાંતા પ્રાંત અધિકારી પ્રશાંત જીલોવાના અધ્યક્ષસ્થાને તેમજ આ.સહ.તા.વિ.અધિકારી એ.ડી.ચૌહાણની આગેવાની અને ચુસ્ત સુરક્ષા વચ્ચે યોજાયેલ ચૂંટણી પ્રક્રિયામાં કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારોના નામ જાહેર કરી જાહેર મતદાન કરાતા બન્ને પક્ષે 13-13 વોટનું મતદાન આંગળી ઉંચી કરીને થવા પામ્યું હતું. એજ રીતે ઉપપ્રમુખના દાવેદાર માટે પણ જાહેર મતદાન કરાતા બન્ને પક્ષે એક સરખું મતદાન થવા પામ્યું હતું.
અને ટાઈ જાહેર થતા પંચાયત ધારાની જોગવાઈ મુજબ ચિઠ્ઠી ઉછાળી ફરી મતદાન કરવામાં આવ્યું હતું. જ્યાં પ્રમુખ તરીકે કોંગ્રેસના જ્યોત્સનાબેન ભાડુભાઇ તરાલ, જ્યારે ઉપ પ્રમુખ તરીકે કોંગ્રેસના પરંતુ ભાજપ સમર્પિત એવા નીરુબેન સુરેશકુમાર ઠાકોરની વરણી જાહેર કરાઈ હતી. આમ કોંગ્રેસ પક્ષે સ્પષ્ટ બહુમતી હોવા છતાં પણ ઉપપ્રમુખની બેઠક ખોવાની નોબત જોવા મળી હતી. આ અંગે દાંતાના કોંગી ધારાસભ્ય કાંતિભાઈ ખરાડીએ જણાવ્યું કે ‘કોંગ્રેસના ચાર સભ્યોને લોભ લાલચ આપી ભાજપ દ્વારા ખરીદવામાં આવ્યા છે. આ ચારેયએ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી છે.જેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરાશે.’
દિયોદર તા.પં.માં ટાઇ પડતા ચિઠ્ઠી ઉછળતાં ભાજપ પ્રમુખ-ઉપપ્રમુખ
દિયોદર : દિયોદર તાલુકા પંચાયત પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટેની ચૂંટણી બનાસકાંઠા જિલ્લા આંકડા અધિકારી બી.એસ.પરમારના અધ્યક્ષસ્થાને તાલુકા પંચાયત કચેરી મિટિંગ હોલ ખાતે યોજાઇ હતી. જેમાં ભાજપ અને કોંગ્રેસ બંનેના પ્રમુખ-ઉપપ્રમુખ પદ માટેના ઉમેદવારો નામોની જાહેરાત કરાતા પ્રમુખ અને ઉપપ્રમુખ બંને પદ માટે એકસરખા 11-11 સભ્યોએ હાથ ઊંચો કરી સંમતિ દર્શાવતા ટાઇ પડતાં ચૂંટણી પ્રક્રિયાના અધ્યક્ષ દ્વારા ચિઠ્ઠી બનાવી નાની બાળકી પાસેથી ઉઠાવતા ભાજપ તરફે પ્રમુખ પદ માટે ઉત્તસિંહ ભીખજી વાઘેલા અને ઉપપ્રમુખ પદ માટે અમરબેન હરસંગજી ચૌહાણના નામો આવતાં ભાજપના સમર્થકોએ વિજયને વધાવ્યો હતો. ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષે એક-એક સભ્ય પક્ષ પલટુ કરી અરસપરસ થયા હતા પરંતુ સભ્યોની સંખ્યા તે રીતે જ રહેતા અંતે ટાઇ પડતાં ચીઠ્ઠી ઉછાળી ચૂંટણી પ્રક્રિયા હાથ ધરી હતી.
ભાભર તા.પંચાયતમાં કોંગ્રેસમાં ભંગાણ સાથે સ્થાનિક ધારાસભ્ય ગેનીબેન ઠાકોર ના ગઢ માં ગાબડું ,ભાજપે સત્તા આંચકી
ભાભર : ભાભર તાલુકા પંચાયત બીજી ટર્મ માટે પ્રમુખ-ઉપપ્રમુખની ચુંટણી યોજાઈ હતી. જેમાં કોંગ્રેસના ત્રણ તેમજ એક અપક્ષ કુલ ચાર સદસ્યોએ પક્ષ વિરોધી મતદાન કરતા અને કોંગ્રેસના 2 સભ્યો ગેરહાજર રહેતા સ્પષ્ટ બહુમતી ધરાવતી કોંગ્રેસ પાસેથી ભાજપે સત્તા આંચકી લીધી છે. ભાજપના ઉમેદવાર તરફી 9 મત જ્યારે કોંગ્રેસ ઉમેદવારને 6 મત મળતાં ભાજપમાં અબાસણાના હકીબેન લેહરાજી ઠાકોર પ્રમુખ તેમજ ઉપપ્રમુખ ઘેમરજી ઠાકોર ચૂંટાયા છે. આમ ભાજપના કાર્યકરોમાં હર્ષની લાગણી છવાઈ છે.
વડગામ તા.પંચાયતમાં ભાજપે કોંગ્રેસ પાસેથી સત્તા પડાવી
વડગામ : વડગામ તાલુકા પંચાયતમાં છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસ જ સત્તા પર આરૂઢ છે. કોંગ્રેસના 16 સદસ્યો, ભાજપના 11 સદસ્ય તેમજ એક અપક્ષ મળીને તાલુકા પંચાયતમાં 28 સદસ્યો ચુંટાયા છે. જેમાં કોંગ્રેસની બહુમતી હોવાથી તાલુકા પંચાયત ઉપર કોંગ્રેસ સત્તા ઉપર હતી. અઢી વર્ષ પુર્ણ થતાં વડગામ તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ માટેની બુધવારે ચૂંટણી યોજાઈ હતી. જેમાં ભાજપના ઉમેદવાર પરથીભાઇ ચૌધરી પ્રમુખ તરીકે અને સવિતાબેન બેગડિયાની ઉપપ્રમુખ તરીકે 13 વિરુદ્ધ 15 મતોથી ચુંટાયા હતા. વડગામ તાલુકા પંચાયતમાં આશરે 25 વરસ પછી ભાજપે સત્તા મેળવી હતી.
વાવ તાલુકા પંચાયત માં ભાજપનું રાજ

વાવ : વાવ તાલુકા પંચાયતના સભાખંડમાં બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સંજયભાઈ પરમારના અધ્યક્ષ સ્થાને અને સભ્ય સચિવ શિવરામભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં વાવ તાલુકા પંચાયતની પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી. જેમાં ભાજપે સતા જાળવી રાખી હતી. બીજા ટર્મમાં ભાજપને 16 અને કોંગ્રેસને 6 સદસ્યો હોઇ ભાજપ તરફથી ધુડીબેન વિહાજી પરમાર(રાજપૂત) અને ઉપપ્રમુખ તરીકે ગોમતીબેન ઈશ્વરભાઈ પટેલ ચૂંટાઇ આવ્યા હતા
દાંતીવાડા તા.પં.માં ભાજપના પ્રમુખ-ઉપપ્રમુખ બિનહરીફ
પાંથાવાડા : દાંતીવાડા તાલુકા પંચાયતમાં હાલ સભ્યોની સ્થિતિ ભાજપ-7, કોંગ્રેસમાં 9 પૈકી 1 નું અવસાન થતાં 8 સભ્ય જ્યારે 2 અપક્ષ સભ્ય છે. દાંતીવાડા તાલુકા પંચાયતની બીજા ટર્મની પ્રમુખ-ઉપપ્રમુખની દાંતીવાડા તાલુકા પંચાયતમાં બિનહરીફ વરણી થયેલ છે. પ્રમુખ તરીકે અનુ.જન.જાતી અનામત હોવાથી ઝાત સીટના ભાજપના ડેલીગેટ ભૂરીબેન મકવાણાની સર્વાનુમતે વરણી કરાઈ છે. જ્યારે ઉપપ્રમુખ તરીકે પાંથાવાડા-1 સીટના ભાજપના ડેલીગેટ રમેશભાઈ ઘાડીયાને બિનહરીફ જાહેર કરાયા હતા. તાલુકા પંચાયતમાં ભાજપનું શાસન આવતા કાર્યકરોમાં ખુશીનું મોજું હતું. કોંગ્રેસના આઠેય સભ્યો ચૂંટણીમાં ગેરહાજર હતા.
હાઇકોર્ટનો મનાઈ હુકમ ચાલુ હોઈ લાખણીમાં ચૂંટણી મોકુફ
લાખણી : લાખણી તાલુકાની તાલુકા પંચાયતની ચૂંટણી જાન્યુઆરી-2018 માં યોજાઈ હતી. ત્યારબાદ પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણીમાં ટાઇ પડી હતી. ત્યારબાદ ચૂંટણી અધિકારી દ્વારા ચિઠ્ઠી ઉછાળીને ચૂંટણી કરવામાં આવી હતી. જેમાં કોંગ્રેસના મહેશભાઈ દવે પ્રમુખ તરીકે વિજેતા થયા હતા. પરંતુ કોંગ્રેસ અને ભાજપ બંને પક્ષોની ખેંચ તાણમાં ત્રણ સાધારણ સભાઓ બોલાવવા છતાં બજેટ મંજૂર થયું ન હતું. જેને પગલે પ્રમુખ તથા ઉપપ્રમુખને છ મહિના માટે પદચ્યુત કરાયા હતા. જે નિર્ણયથી અસંતોષ થતાં તત્કાલીન પ્રમુખ મહેશભાઈ દવેએ હાઇકોર્ટમાં અપીલ દાખલ કરી હતી.
સુઇગામ તા.પંચાયત ફરી ભાજપની
સુઇગામ : સુઇગામ તાલુકા પંચાયતની બીજી ટર્મની ચૂંટણીમાં પ્રમુખ માટે અનુ.જાતિ માટે રિઝર્વ હોઈ ભાજપમાં ચૂંટાયેલા અને સા.ન્યાય સમિતિના ચેરમેન મેવાભાઈ હેમજીભાઈ કલાલ પ્રમુખ તરીકે અને ભાજપના દુધવા સીટના મહિલા સદસ્ય સતીબેન જગદીશભાઈ પટેલ ઉપપ્રમુખ તરીકે ચૂંટાઈ આવતાં પૂર્વ મંત્રી શંકરભાઈ ચૌધરી, સુઇગામ તાલુકા ભાજપ પ્રમુખ પીરાભાઈ ગામોટ સહિત પક્ષના હોદ્દેદારો, કાર્યકરો, ચૂંટાયેલા પ્રતિનિધિઓએ શુભકામનાઓ પાઠવી હતી.
અમીરગઢ તા.પ.માં ભાજપની જીત
અમીરગઢ : અમીરગઢ તાલુકા પંચાયતમાં 20 સભ્યોમાં 13 ભાજપ અને 7 કોંગ્રેસના છે. ત્યારે બીજા ટર્મની ચૂંટણી અધિકારી ચેતનભાઈ પટેલ તેમજ તાલુકા વિકાસ અધિકારી બળવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં યોજાઇ હતી. જેમાં ભાજપના પ્રમુખ તરીકે પાયલબેન ભુપેન્દ્રભાઈ મોઢની અને ઉપપ્રમુખ તરીકે મનહરબા મુકેશસિંહ ચૌહાણની વરણી કરવામાં આવી હતી.