નવા વર્ષની શરૂઆત નિમિત્તે થરાદ વિધાનસભા ભાજપ દ્વારા લુણાલ ગામના નકળંગ મંદિરે સ્નેહમિલન સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય શંકર ચૌધરીની વિશેષ ઉપસ્થિતિમાં ભાજપના આગેવાનો, કાર્યકરો અને સમર્થકો મોટી સંખ્યામાં એકઠા થયા હતા. ઉપસ્થિત સૌએ એકબીજાને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી.
સ્નેહમિલન લોકસેવાનો સંકલ્પ લેવાનો અવસર : શંકર ચૌધરી
સંમેલનને સંબોધતા શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે ભારતીય પરંપરા મુજબ નવા વર્ષની શરૂઆતમાં લોકો એકબીજાને મળે છે અને રામ-રામ કરીને શુભેચ્છાઓ પાઠવે છે. સ્નેહમિલન માત્ર શુભેચ્છાઓની આપ-લે કરવાનો પ્રસંગ નથી, પરંતુ સૌના કલ્યાણ અને લોકસેવાનો સંકલ્પ લેવાનો પણ અવસર છે.
તેમણે ઉપસ્થિત ભાજપના કાર્યકરો અને આગેવાનોને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી અભિનંદન આપ્યા હતા. સાથે જ સમાજ અને લોકોના હિતમાં સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા રહેવા અપીલ કરી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મીય સંવાદનો કર્યો ઉલ્લેખ
કાર્યક્રમ દરમિયાન શંકર ચૌધરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કાર્યકરો સાથે કરવામાં આવેલા આત્મીય સંવાદનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે વડાપ્રધાને રાજનીતિના માધ્યમથી લોકસેવા કેવી રીતે કરી શકાય તે અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપ્યું હતું.
આ સંવાદ બદલ તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અભિનંદન પાઠવ્યા હતા અને લોકસેવાના માર્ગે આગળ વધવા કાર્યકરોને પ્રેરણા આપી હતી.
એકતા અને સેવાભાવના સંકલ્પ સાથે સ્નેહમિલન સંપન્ન
સ્નેહમિલન સંમેલન દરમિયાન કાર્યકરોને પરસ્પર સ્નેહ, સંગઠનની એકતા અને સમર્પણની ભાવના જાળવી રાખવા અપીલ કરવામાં આવી હતી. લોકોની સમસ્યાઓના નિરાકરણ અને જનસેવાના કાર્યોમાં સતત સક્રિય રહેવાનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો.
નવા વર્ષની શુભેચ્છાઓ, સંગઠનના સ્નેહ અને લોકસેવાના સંકલ્પ સાથે લુણાલના નકળંગ મંદિરે યોજાયેલું થરાદ વિધાનસભા ભાજપનું સ્નેહમિલન સંમેલન પૂર્ણ થયું હતું.
