પોસ્ટ-મેટ્રિક શિષ્યવૃત્તિ હેઠળ 32,226 વિદ્યાર્થિનીઓને રૂ. 420.28 કરોડની સહાય; આવકમર્યાદા વધારી રૂ. 6 લાખ કરાઈ
ગુજરાત: રાજ્યના આદિજાતિ વિદ્યાર્થીઓના શૈક્ષણિક વિકાસ માટે ગુજરાત સરકાર દ્વારા પ્રિ-મેટ્રિક અને પોસ્ટ-મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં છેલ્લા પાંચ વર્ષ દરમિયાન આ યોજનાઓ હેઠળ લાખો વિદ્યાર્થીઓને આર્થિક સહાય આપવામાં આવી છે.
સરકાર દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, વર્ષ 2021-22થી 2025-26 દરમિયાન રાજ્ય સરકારની પ્રિ-મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના હેઠળ રૂ. 438.27 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ યોજનાથી 58.38 લાખથી વધુ વિદ્યાર્થીઓને લાભ મળ્યો છે.
પ્રિ-મેટ્રિક શિષ્યવૃત્તિમાં આવકમર્યાદાની શરત નહીં
ધોરણ 1થી 10માં અભ્યાસ કરતા અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓને પ્રિ-મેટ્રિક યોજના હેઠળ કૌટુંબિક આવકમર્યાદા વિના સહાય આપવામાં આવે છે. ધોરણ 1થી 5ના વિદ્યાર્થીઓને વાર્ષિક રૂ. 750 મળે છે. જ્યારે ધોરણ 6થી 8ના કુમારોને રૂ. 750 અને કન્યાઓને રૂ. 1,000ની સહાય આપવામાં આવે છે.
આ ઉપરાંત, ધોરણ 9 અને 10ના વિદ્યાર્થીઓને રૂ. 1,000ની સહાય મળે છે. અતિ-પછાત જૂથોના વિદ્યાર્થીઓ માટે ધોરણ 1થી 8માં રૂ. 1,000 અને ધોરણ 9-10માં રૂ. 1,500ની સહાય નક્કી કરાઈ છે.
ભારત સરકારની પ્રિ-મેટ્રિક યોજના હેઠળ પણ છેલ્લા પાંચ વર્ષમાં રૂ. 184.19 કરોડના ખર્ચે 5.37 લાખથી વધુ વિદ્યાર્થીઓને લાભ આપવામાં આવ્યો છે. આ યોજના હેઠળ રૂ. 2.50 લાખથી ઓછી વાર્ષિક આવક ધરાવતા ધોરણ 9 અને 10ના પાત્ર વિદ્યાર્થીઓને સહાય મળે છે. ડે-સ્કોલર વિદ્યાર્થીઓને રૂ. 3,000 અને હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓને રૂ. 6,250ની વાર્ષિક સહાય આપવામાં આવે છે.
પોસ્ટ-મેટ્રિક શિષ્યવૃત્તિની આવકમર્યાદા રૂ. 6 લાખ કરાઈ
આદિજાતિ વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણથી વંચિત ન રહે તે માટે રાજ્ય સરકારે પોસ્ટ-મેટ્રિક શિષ્યવૃત્તિની વાર્ષિક કૌટુંબિક આવકમર્યાદા રૂ. 2.50 લાખથી વધારીને રૂ. 6 લાખ કરી છે.
કેન્દ્ર સરકારની યોજનામાં આવકમર્યાદા રૂ. 2.50 લાખ હોવાથી, તેનાથી વધુ અને રૂ. 6 લાખ સુધીની આવક ધરાવતા પાત્ર વિદ્યાર્થીઓને રાજ્ય સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે.
સાથે જ, ગુજરાત સરકારની વિશેષ પોસ્ટ-મેટ્રિક યોજના હેઠળ આદિજાતિ વિદ્યાર્થિનીઓને આવકમર્યાદા વિના સહાય આપવામાં આવે છે. આ યોજના હેઠળ છેલ્લા પાંચ વર્ષમાં 32,226 વિદ્યાર્થિનીઓને રૂ. 420.28 કરોડની સહાય મળી છે. બીજી તરફ, કેન્દ્ર સરકારની પોસ્ટ-મેટ્રિક યોજના હેઠળ રૂ. 2,830.77 કરોડના ખર્ચે 11.39 લાખથી વધુ વિદ્યાર્થીઓને લાભ આપવામાં આવ્યો છે. આ યોજનાઓમાં અનાથ વિદ્યાર્થીઓને આવકમર્યાદામાંથી મુક્તિ આપવામાં આવી છે.
ડિજિટલ ગુજરાત પોર્ટલથી સીધી બેંક ખાતામાં સહાય
શિષ્યવૃત્તિ યોજનાઓનો લાભ મેળવવા માટે વિદ્યાર્થીઓ ડિજિટલ ગુજરાત પોર્ટલ મારફતે ઓનલાઇન અરજી કરી શકે છે. અરજીની ચકાસણી અને મંજૂરી બાદ સહાયની રકમ સીધી લાભાર્થીના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે.
આ વ્યવસ્થાથી અરજી અને સહાય વિતરણની પ્રક્રિયા વધુ પારદર્શક અને ઝડપી બની છે. અંબાજીથી ઉમરગામ સુધીના આદિવાસી વિસ્તારોમાં શિક્ષણનો વ્યાપ વધારવા માટે આ યોજનાઓ મહત્વપૂર્ણ બની રહી છે.
