આગામી ભાદરવી પૂનમ મહામેળાને ધ્યાનમાં રાખીને પવિત્ર યાત્રાધામ અંબાજી તરફ જતાં લાખો શ્રદ્ધાળુઓ માટે માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય), પાલનપુર દ્વારા મહત્વપૂર્ણ પૂર્વ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. વિભાગે દાંતા-પાલનપુર સ્ટેટ હાઇવે પર જરૂરી માર્ગ મરામતની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરી છે, જેથી યાત્રાળુઓ અને વાહનચાલકોને સુરક્ષિત તથા સરળ અવરજવર મળી રહે.
ચોમાસાની ઋતુ દરમિયાન ભારે વરસાદ અને ક્વોરી વિસ્તારમાંથી પસાર થતા ભારે વાહનોની સતત અવરજવરના કારણે માર્ગને થયેલા નુકસાનને ધ્યાનમાં રાખીને વિભાગે તાત્કાલિક ધોરણે સમારકામ હાથ ધર્યું હતું. હવે માર્ગની સ્થિતિમાં સુધારો થતાં ભાદરવી પૂનમ દરમિયાન વધનારા ટ્રાફિકને સરળતાથી સંભાળી શકાય તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

આ ઉપરાંત મુમનવાસ ગામ નજીક મુખ્ય હાઇવે પર વરસાદી પાણીનો યોગ્ય નિકાલ થઈ શકે તે માટે સાઇડ ગટરની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે. વરસાદી પાણી માર્ગ પર ભરાઈ ન રહે અને વાહનવ્યવહારને કોઈ મુશ્કેલી ન પડે તે હેતુથી આ કામગીરી કરવામાં આવી રહી છે.
માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય), પાલનપુર દ્વારા ભાદરવી પૂનમ દરમિયાન મોટી સંખ્યામાં આવતા પદયાત્રીઓ, ખાનગી વાહનો અને જાહેર પરિવહનને ધ્યાનમાં રાખીને વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. વિભાગનો ઉદ્દેશ યાત્રાળુઓને સુરક્ષિત, સુગમ અને અવરોધમુક્ત મુસાફરી ઉપલબ્ધ કરાવવાનો છે.
ભાદરવી પૂનમ નજીક આવતાં આગામી દિવસોમાં અંબાજી તરફ શ્રદ્ધાળુઓની અવરજવર નોંધપાત્ર રીતે વધવાની શક્યતા છે. આવી સ્થિતિમાં માર્ગ મરામત અને વરસાદી પાણીના નિકાલ માટે હાથ ધરાયેલી કામગીરી યાત્રાળુઓ માટે રાહતરૂપ સાબિત થશે.