વાવ-થરાદ જિલ્લામાં જિલ્લા પંચાયતની આવનારી ચૂંટણીને લઈ રાજ્ય ચૂંટણી તંત્ર દ્વારા સત્તાવાર નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ વાવ-થરાદ જિલ્લા પંચાયતમાં કુલ ૩૦ બેઠકો રહેશે, જેને લઈને રાજકીય વર્તુળોમાં ચહલપહલ જોવા મળી રહી છે.

નોટિફિકેશન અનુસાર જિલ્લા પંચાયતની કુલ બેઠકોમાંથી ૧૭ બેઠકો સામાન્ય કેટેગરી માટે રાખવામાં આવી છે. જ્યારે અનુસૂચિત જાતિ (SC) માટે ૪ બેઠકો અનામત રાખવામાં આવી છે. આ ઉપરાંત અનુસૂચિત જનજાતિ (ST) માટે ૧ બેઠક અનામત રહેશે. અન્ય પછાત વર્ગ (OBC) માટે જિલ્લા પંચાયતમાં કુલ ૮ બેઠકો અનામત જાહેર કરવામાં આવી છે. આ રીતે અનામત અને સામાન્ય બેઠકોની સ્પષ્ટ વહેંચણી કરવામાં આવતા વિવિધ સમાજો અને વર્ગોને યોગ્ય પ્રતિનિધિત્વ મળવાની શક્યતા વધી છે.
જિલ્લા પંચાયત સ્તરે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં સામાજિક સમતોલતા જળવાય અને દરેક વર્ગની ભાગીદારી સુનિશ્ચિત થાય તે હેતુથી આ અનામત વ્યવસ્થા અમલમાં મુકવામાં આવી હોવાનું તંત્ર દ્વારા જણાવાયું છે. નોટિફિકેશન જાહેર થતા જ રાજકીય પક્ષો તેમજ અપક્ષ ઉમેદવારો દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. સંભવિત ઉમેદવારો પોતાના વિસ્તારોમાં સંપર્ક સાધવા લાગ્યા છે, જ્યારે વિવિધ સમાજ સંસ્થાઓ પણ અનામત બેઠકોને લઈને ચર્ચા શરૂ કરી છે.
આવનારી જિલ્લા પંચાયતની ચૂંટણીમાં બેઠકોની રચના મહત્વની ભૂમિકા ભજવશે તે નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે. જિલ્લા પંચાયત ચૂંટણીને લઈ આગળની પ્રક્રિયા તરીકે મતવિસ્તારોની અંતિમ ઘોષણા, મતદાર યાદી સુધારણા અને ચૂંટણી કાર્યક્રમ જાહેર કરવામાં આવશે.
તંત્ર દ્વારા તમામ રાજકીય પક્ષો અને નાગરિકોને ચૂંટણી સંબંધિત નિયમોનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે. વાવ-થરાદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યના માધ્યમથી વિકાસને નવી દિશા મળે અને લોકોના પ્રશ્નો અસરકારક રીતે રજૂ થાય તે માટે આવનારી જિલ્લા પંચાયત ચૂંટણીને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
