લોકસભાની સામાન્ય ચૂંટણીઓમાં જન ભાગીદારી વધારવા તેમજ વધુમાં વધુ મતદારો પોતાનો કિંમતી મત આપી લોકશાહીને મજબૂત બનાવવા માટે ભારતમાં સર્વત્ર મતદાતા જાગૃતિ અભિયાન મોટે પાયે ચાલી રહ્યું છે. જેના ભાગરૂપે ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના કેન્દ્રિય સંચાર બ્યુરો, પાલનપુર દ્વારા બનાસકાંઠા જિલ્લાના વિવિધ તાલુકાઓમાં મતદાતા જાગૃતિ અભિયાન અંતર્ગત નાટ્ય પ્રસ્તુતિ, પ્રશ્નમંચ સ્પર્ધા, પત્રિકા વિતરણ જેવી વિવિધ પ્રવૃત્તિ દ્વારા વિશેષ જન જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. આ કાર્યક્રમ અંતર્ગત પાલનપુર તાલુકાના અમરપુરા, રણાવાસ તેમજ અન્ય ગામોમાં શ્રી સાબરકાંઠા જિલ્લા યુવા પરિવાર દ્વારા નાટ્ય પ્રસ્તુતિ કરવામાં આવી હતી.
જેમાં મનોરંજક અંદાજમાં લોકોને મતદાન દિવસે અચૂક મતદાન કરવા અપીલ કરવામાં આવી હતી, સાથે ભારત દેશના એક જવાબદાર નાગરિક તરીકે ઉપસ્થિત સૌ લોકોએ મતદાન પ્રતિજ્ઞા પણ લીધી હતી અને સૌ ગામ લોકોએ મતદાનના દિવસે પૂરેપૂરું મતદાન કરવા સંકલ્પ લીધો હતો. કાર્યક્રમને વધુ રસપ્રદ બનાવતા કેન્દ્રીય સંચાર બ્યુરો , પાલનપુર દ્વારા મતદાન જાગૃતિ સંદર્ભે પ્રશ્નમંચ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
ઉપસ્થિત યુવા મતદારોને ચૂંટણી સબંધી પ્રશ્ર્નો પૂછી સાચો જવાબ આપનારને યોગ્ય પુરસ્કાર આપવામાં આવ્યા હતા. મતદાતા જાગૃતિ કાર્યક્રમ દ્વારા વિવિધ ઉંમરના મતદાતાઓ તેમજ ગામના નાગરિકોને ૧૦૦% મતદાન કરવા માટે પોતાના સકારાત્મક પ્રતિભાવો વિડિયો સંદેશના માધ્યમથી આપ્યા હતા.
કેન્દ્રીય સંચાર બ્યુરો, પાલનપુરના અધિકારીશ્રી જે. ડી ચૌધરીએ બનાસકાંઠા જિલ્લાના વિવિધ તાલુકાઓમાં ” મતદાતા જાગૃતિ કાર્યક્રમ ” ના માધ્યમથી સૌ મતદાતાઓને પોતાના વિસ્તારમાં અચૂકપણે સંપૂર્ણ મતદાન કરવા અપીલ કરી હતી.
કાર્યક્રમમાં ગ્રામજનો, સહકારી ક્ષેત્રના આગેવાનો અને સમાજસેવી સંસ્થાના પ્રતિનિધિઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.