બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ઢીમા ખાતે DGNCC દ્વારા શહીદ વીર ખાંનાભાઈ પટેલને ફ્લેગ ઓફ ઓનર અને પી.એમ.ઓ.દિલ્હીથી મોકલવામાં આવેલ સન્માનપત્ર એનાયતનો કાર્યક્રમ યોજાયો હતો. 35 ગુજરાત બટાલિયન પાલનપુરના કમાન્ડિંગ ઓફિસર કર્નલ રાજેશ નવર ખેલેના અધ્યક્ષસ્થાને યોજાયેલ આ કાર્યક્રમમાં શહીદ વીર ખાંનાભાઈ પટેલને શ્રધ્ધાંજલિ અર્પણ કરી શહીદ વીરના પિતાશ્રી રામાભાઇ પટેલને પ્રશસ્તિપત્ર એનાયત કરવામાં આવ્યું હતુ.
વધુ માં જણાવી એ કે શહીદ વીર ખાંનાભાઈ રામાભાઈ પટેલનો જન્મ ૨૫ ડિસેમ્બર ૧૯૮૯ ના રોજ વાવ તાલુકાના ઢીમા ગામે થયો હતો. તેઓ નાની ઉંમરે દેશ સેવા માટે ભારતીય સેનામાં જોડાઈને મહાર રેજીમેન્ટમાં સિપાહી તરીકે સેવા આપતા હતા. જમ્મુ-કાશ્મીરના પૂંછ જિલ્લાના મેન્ડર સેક્ટરમાં આતંકવાદીઓ સાથેની લડાઇમાં જવાબી કાર્યવાહી દરમ્યાન સિપાહી શ્રી ખાંનાભાઇ રામાભાઇ પટેલ મા ભોમની રક્ષા કાજે શહીદ થયાં હતા. તેમની સ્મૃતિમાં તેમના ખેતરમાં શહીદ વીર ખાંનાભાઇનું સ્ટેચ્યુ બનાવવામાં આવ્યું છે. જેના પર પુષ્પાંજલિ અર્પણ કરીને લોકો અમર શહીદ જવાનને યાદ કરે છે. આ પ્રસંગે કર્નલ રાજેશ નવર ખેલે એ શહીદવીર ખાંનાભાઈ પટેલને શ્રધ્ધાસુમન અર્પણ કરતાં જણાવ્યું કે જે પરિવારે દેશ માટે પોતાનો સપુત ખોયો છે એમને હું નતમસ્તક વંદન કરું છું. તેમણે કહ્યું કે શહીદ તો ગાંવ કી મીટ્ટી સે નિકલતે હૈ…. કર્તવ્યનિષ્ઠાની પરમ પરાકાષ્ટાથી જવાનો મા-ભોમની રક્ષા કાજે પોતાની જાન ન્યોછાવર કરે છે. શહીદ વીરોની શહાદતથી આપણો ધ્વજ ઉંચે લહેરાઈ રહ્યો છે. આ પ્રસંગે સુબેદારશ્રી શ્રવણકુમાર, અગ્રણી શૈલેષભાઈ પી સરપંચ શ્રી જેતસીભાઈ પટેલ સહિત વિશાળ સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતા.