પાટણ જિલ્લાના રાધનપુરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. સાડા ત્રણ કલાકમાં પોણા ચાર ઇંચ જેટલો વરસાદ ખાબકડા જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી. ભારે વરસાદના કારણે બજારોમાં 2થી 3 ફૂટ જેટલા પાણી ભરાયા હતા. તેમજ મોટાભાગની દુકાનો પાણીમાં ગરકાવ થઈ હતી. માર્ગો પર નદીઓની જેમ પાણી વહેવા લાગ્યા હતા.
રાધનપુર શહેરમાં શુક્રવારે સવારથી જ બફારો રહ્યા બાદ બપોરે ત્રણેક વાગ્યાના સુમારે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. સવા પાંચ વાગ્યાં સુધીમાં 94 MM એટલે કે, પોણા ચાર ઇંચ વરસાદ ખાબકી ગયો હતો. જેથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. તેમજ શહેરમાં જ્યા જુઓ ત્યા પાણી જ પાણી જોવા મળ્યું હતું. હાઇવે ચાર રસ્તા ઉપર ભારે વરસાદને કારણે ટ્રાફિક જામ પણ થઈ ગયો હતો. એસટી સ્ટેન્ડથી જલારામ સોસાયટી સુધી પાણી ભરાઈ ગયા હતા. જેને કારણે લોકોને ભારે હાલાકી પડી હતી.રાઘનપુરમાં ગણતરીની મિનિટોમાં ધોધમાર વરસાદના કારણે પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. બજારોમાં 2થી 3 ફૂટ જેટલા પાણી ભરાઈ જતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. તેમજ મોટાભાગની દુકાનો પાણીમાં ગરકાવ થઈ હતી.
રાધનપુર શહેર ધોધમાર વરસાદથી પાણીમાં તરબોળ થઈ જતાં જનજીવન ખોરવાયું હતું. પાટણ જિલ્લાના અન્ય તાલુકામાં પણ વરસાદી ઝાપટા વરસ્યા હતા. રાધનપુર શહેરના મુખ્ય હાઇવે ઉપર એસટી બસ વિસ્તારથી લઈ લાલબાગ વિસ્તાર, રેફરલ હોસ્પિટલ સહિતના વિસ્તારોમાં ઢીંચણ સમા પાણી ભરાઈ ગયા હતા. માર્ગો પર પાણી ભરાઈ જતા વાહનો ફસાયા હતા. જેથી વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. શહેરમાં મોડી સાંજ સુધી વરસાદ ચાલુ રહ્યો હતો. પાટણ શહેર સહિત જિલ્લામાં પણ વહેલી સવારથી વરસાદી માહોલ જામતા અનેક જગ્યાએ છૂટાછવાયા વરસાદી ઝાપટા વરસ્યા છે.