મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે ગાંધીનગર ખાતે સ્વસહાય જૂથની મહિલાઓ સાથે “સખી સંવાદ કાર્યક્રમ”માં ઉપસ્થિત રહેશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે ગાંધીનગર ખાતે સ્વસહાય જૂથની મહિલાઓ સાથે “સખી સંવાદ કાર્યક્રમ”માં ઉપસ્થિત રહેશે. રાજ્યમાં વર્ષ 2010માં શરૂ કરાયેલા મિશન મંગલમ્ બાદ અત્યાર સુધીમાં રાજ્યના 28 જિલ્લામાં તાલીમ સંસ્થાઓ દ્વારા 3 લાખ 13 હજારથી વધુ મહિલાઓને આત્મનિર્ભર બનવા માટે વિવિધ વ્યવસાયમાં તાલીમ આપવામાં આવી છે. આ તાલીમના કારણે મહિલાઓ અને તેમના પરિવારની આર્થિક સ્થિતિ સુધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં હાલમાં 2 લાખ 79 હજારથી વધુ સ્વ સહાય જૂથમાં 27 લાખથી વધુ પરિવાર સામેલ છે. વર્ષ 2021-22માં રાજ્યની 8 હજાર 500 મહિલાએ માત્ર ત્રણ મહિનામાં 5 હજાર મેટ્રિક ટન લિંબોળી એકત્ર કરીને 4 કરોડ રૂપિયાની આવક મેળવી છે. કુપોષણને દૂર કરવા તેમ જ મહિલાઓ માટે આવકના સ્ત્રોત વધારવાના હેતુથી એગ્રી ન્યૂટ્રી ગાર્ડનને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે, જેમાં સ્વસહાય જૂથને ઉત્તમ ગુણવત્તાના બીજ આપીને ન્યૂટ્રી ગાર્ડન બનાવવા માટે મદદ કરવામાં આવે છે.