વીજ વાહન ક્ષેત્રે સરકારની બદલાતી જતી નીતિઓથી ઉદ્યોગ વિમાસણમાં….

એ ક તરફ સરકાર દેશમાં વીજ વાહનોનો ફેલાવો વધારવા પ્રયત્નો કરી રહી છે ત્યારે બીજી બાજુ વીજ વાહન ઉદ્યોગ માટે પ્રતિકૂળ એવા નિર્ણયો પણ લઈ રહી છે, જેને પરિણામે વીજ વાહનો સસ્તા થવાને બદલે મોંઘા થવાની શકયતા ઊભી થઈ છે એટલું જ નહી તે તરફના આકર્ષણમાં પણ ઘટાડો જોવા મળવાની ચિંતા વ્યકત કરવામાં આવી રહી છે. વીજ સંચાલિત ટુ વ્હીલર્સ જે વીજ વાહન ક્ષેત્રે ક્રાંતિ લાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે તેની માટેની ફાસ્ટર એડોપ્સન એન્ડ મેન્યુફેકચરિંગ ઓફ (હાઈબ્રિડ એન્ડ) ઈલેકટ્રીક વ્હીકલ્સ (ફેમ-ટુ) સબસિડી પ્રતિ કેડબલ્યુએચ જે રૂપિયા ૧૫૦૦૦ હતી તે ઘટાડી રૂપિયા ૧૦,૦૦૦ કરવામાં આવી છે.

દેશમાં વાહનો થકી ફેલાતા પ્રદૂષણમાંથી છૂટકારો મેળવવા સરકાર વીજ સંચાલિત વાહનોની વાતો કરી રહી છે, પરંતુ જો દેશમાં વીજ વાહનોનો ફેલાવો વધારવો હશે તો પ્રારંભમાં તે સસ્તા અથવા તો હાલના પરંપરાગત વાહનોની સમાન કિંમતે ઉપલબ્ધ બની રહે તે જરૂરી છે એમ ઉદ્યોગના વર્તુળો જણાવી રહ્યા છે.

આઅગાઉ પણ સરકારે કેટલીક ઈ- ટુ વ્હીલર્સ ઉત્પાદક કંપનીઓને ચૂકવવાની રહેતી સબસિડીની રકમ અટકાવી દીધી હતી જેને પરિણામે તેના વેચાણ પર અસર જોવા મળી હતી.

દેશમાં હજુ પાપા પગલી ભરી રહેલા વીજ વાહન ક્ષેત્રે વધુને વધુ સાહસિકો ત્યારે જ રોકાણ કરવા આગળ આવશે જ્યારે તેમને સરકાર તરફથી પૂરતા સહકારની બાંયધરી રહેશે. સબ્સિડી સંદર્ભમાં સરકાર દ્વારા સખત અમલ વીજ વાહનોના ઉત્પાદન પર અસર કરે તે પહેલા જ તેનો સુમેળભર્યોે ઉકેલ દેશમાં વીજ વાહનો તરફના પલાયનને ઝડપી બનાવશે અન્યથા આ ક્ષેત્રનો વિકાસ અવરોધાતા વાર નહીં લાગે.

ભારતમાં વાહનોના એકંદર વેચાણમાં ઈ-વાહનોનો હિસ્સો પાંચ ટકા આસપાસ રહ્યા કરે છે. ૨૦૩૦ સુધીમાં ખાનગી કારોના એકંદર વેચાણમાં ૩૦ ટકા કાર વીજ સંચાલિત રાખવાનો તથા કમર્સિઅલ વ્હીકલમાં આ આંક ૭૦ ટકા અને ટુ તથા થ્રી વ્હીલર્સના એકંદર વેચાણમાં આ આંક ૮૦ ટકા સુધી લઈ જવાનો સરકારનો ટાર્ગેટ છે.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exit mobile version