આ વાઇરસને પ્રસરતો અટકાવવા સર્વે અને સારવાર પર ભાર મુકતાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નિલ ખરેએ જણાવ્યું કે, લમ્પી વાઇરસથી પશુપાલકોએ બિલકુલ ગભરાવાની જરૂર નથી, આ વાઇરસ એક પશુમાંથી બીજા પશુમાં ફેલાય છે. આ વાઇરસમાં પશુને સામાન્ય તાવ આવે, આંખ-નાકમાંથી પ્રવાહી આવે, આખા શરીર પર ગાંઠો જેવા નરમ ફોલ્લા પડે, પશુ ખાવાનું બંધ કરે જેવા સામાન્ય લક્ષણો દેખાય તો તાત્કાલિક ૧૯૬૨ નંબર અથવા તો નજીકના પશુ દવાખાનાનો સંપર્ક કરવો. તેમણે કહ્યું કે, બનાસકાંઠા જિલ્લાના ૫ તાલુકાઓના ૧૯ ગામમાં ૨૨૩ પશુઓમાં આ વાઇરસ જોવા મળ્યો છે. આ વાઇરસમાં મરણનું પ્રમાણ ૧ થી ૨ ટકા જ છે. જે પણ પશુમાં આ વાઇરસના લક્ષણો દેખાય તેને અન્ય પશુથી અલગ રાખીને આઇસોલેટ કરવામાં આવે, તેની ખાવા-પીવાની વ્યવસ્થા અલગ રાખવી જોઇએ. તેમણે કહ્યું કે, લમ્પી વાઇરસના લક્ષણો દેખાય તો પશુપાલકો દેશી ઉપચાર તરીકે ઉકાળો પણ આપી શકે છે. આ ઉકાળામાં નાગરવેલનું પાન, કાળા મરી, ૧૦ ગ્રામ મીઠું અને જરૂરીયાત મુજબ ગોળનો ઉપયોગ કરી તે આપવાથી પશુની રોગપ્રતિકારક શક્તિનો વધારો થશે. મિનરલ મિક્ચર આપવાથી પણ ઇમ્યુનિટીમાં વધારો થશે. તેમણે સ્વચ્છતા પર ભાર મુકતા જણાવ્યું કે, પશુને સારવાર આપતી વખતે હાથ મેગ્નેટથી સારી રીતે ધોવા જોઇએ જેથી બીજા પશુઓમાં ચેપ ફેલાય નહીં. પશુઓને ઉકરડાથી દૂર રાખી સાંજના સમયે રાત્રે ધુમાડો કરવામાં આવે જેથી માખી, મચ્છર અને ઉતરડીથી આ રોગને પ્રસરતો અટકાવી શકાય.
બેઠકમાં સંયુક્ત પશુપાલન નિયામકશ્રી ર્ડા. કે. જી. બ્રહ્મક્ષત્રિયએ જણાવ્યું કે, લમ્પી વાઇરસ માખી, મચ્છર અને ઇતરડીથી ફેલાય છે તેને પ્રસરતો અટકાવવા જે પણ પશુઓ વાઇરસ અસરગ્રસ્ત છે તેને બીજા પશુઓથી અલગ રાખવા જોઇએ. તેમણે કહ્યું કે, પશુઓને દૂષિત પાણી અને ખોરાક ન આપવા તથા નાના બચ્ચાઓ અને ગાભણ પશુઓની ખાસ કાળજી રાખવી. તેમણે કહ્યું કે, બનાસકાંઠા જિલ્લામાં પશુઓ ધણના સ્વરૂપે છુટા ચરવા જવાના બદલે પશુપાલકોના ખેતરમાં અલગ અલગ જગ્યાએ રાખવામાં આવે છે જેથી આ વાઇરસ ઝડપથી ફેલાવાની શક્યતા ઓછી છે. તેમણે કહ્યું કે, બહારથી લાવવામાં આવતા પશુઓનું મોનીટરીંગ રાખી તેમને અલગ રાખવામાં આવે તે જરૂરી છે.
આ બેઠકમાં મદદનીશ પશુપાલન નિયામકશ્રી ર્ડા. જે. પી. મજેઠીયા, નાયબ પશુપાલન નિયામકશ્રી ર્ડા. બી. એમ. સરગરા, બનાસ ડેરીના ર્ડા. સંજય ઓઝા સહિત વિવિધ તાલુકાના પશુપાલન અધિકારીશ્રીઓ ઉપસ્થિતિ રહ્યા હતા.