બનાસકાંઠા જિલ્લામાં અત્યારે 170 જેટલી ગૌશાળા અને પાંજરાપોળ આવેલી છે જેમાં રખડતા, ની સહાય, બિનવારસી, કતલખાને જતા અને બીમાર 80 હજાર જેટલા પશુઓ ને સાર સંભાળ થાય છે આમ તો આ ગૌશાળાઓ અત્યાર સુધી દાનની આવક પર જ નિર્ભર હતી પરંતુ કોરોના મહામારી બાદ દાનની આવક સતત ઘટી છે તેવામાં ગુજરાત સરકારે બજેટમાં ગૌશાળાઓને 500 કરોડ રૂપિયાની સહાય ચૂકવવાની જાહેરાત કરી હતી. જેથી સરકારે સહાય કરી છે તેવું જાણી દાન આવતું પણ ઘટી ગયું છે. તો બીજી તરફ અત્યારે ઘાસચારાનો ભાવ આસમાને પહોંચ્યો છે આવી સ્થિતિમાં ગૌશાળા પશુઓનો નિભાવ કરવું મુશ્કેલ બન્યું છે. અત્યારે જિલ્લાની ગૌશાળા ના સંચાલકો પશુઓ માટે ઘાસચારાની માંડ માંડ વ્યવસ્થા કરી રહ્યા છે.આ મામલે સંચાલકોએ વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ જ કાર્યવાહી ન થતા આખરે કંટાળેલા સંચાલકો આજે એક ગાય પર સહાયની માંગનું બેનર લગાવી ડીસા મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા અને રામધૂન બોલાવી સરકારને સદબુદ્ધિ આવે અને ગૌશાળા અને પાંજરાપોળ ને તાત્કાલિક સહાય ની રકમ ચૂકવવા માં આવે તેવી રજૂઆત કરી હતી. મામલતદાર ને આવેદનપત્ર આપતા સંચાલકોએ જણાવ્યું હતું કે સરકારે જાહેર કરેલી સહાય ચુકવવા માટે તાત્કાલિક આયોજન નહીં થાય તો તમામ ગૌશાળા અને પાંજરાપોળમાં રહેલા 80,000 પશુઓને સરકારી કચેરીમાં સરકાર ભરોસે છોડી દેવાની ચીમકી ઉચ્ચારી હતી