રાજકોટ શહેરમાં આત્મહત્યાના બનાવમાં દિવસેને દિવસે સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. રોજ બરોજ બેથી ત્રણ આપઘાતના બનાવ સામે આવતા હોય છે. ત્યારે આજે સવારના સમયે વધુ એક પરિણીતાએ આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. પુનિતનગર વિસ્તારમાં પરિણીતાએ ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હોવાનું સામે આવતા તાલુકા પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે. આ બનવાથી પરિવારની મહિલાએ હૈયાફાટ રૂદન કરતા વાતાવરણ ગમગીન બની ગયું હતું. શહેરના 150 ફૂટ રિંગ રોડ પર આવેલ પુનિતનગર હાઉસિંગ બોર્ડ ક્વાટર નંબર 213માં રહેતી પૂનમબેન સખરામભાઈ મહાલે (ઉ.વ.26) નામની પરિણીતાએ પોતાના ઘરે જ ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી. બાદમાં 108ને જાણ કરતા 108ના ફરજ પરના EMTએ મૃત જાહેર કરી પોલીસને જાણ કરી હતી. બાદમાં તાલુકા પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. તાલુકા પોલીસે સ્થળ પર પહોંચી મૃતદેહને પીએમ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડી પરિવારજનોના નિવેદન નોંધવા તજવીજ હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં પરિણીતાએ ઘરકંકાસના કારણે આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. ત્યારે આત્મહત્યા પાછળનું ચોક્કસ કારણ જાણવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.