ભાભર ખાતે ગૌમાતા અધિકાર સંમેલનમાં ગુજરાતી 1700 જેટલી ગૌશાળા પાંજરાપોળોના સંતો,સંચાલકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સરકાર સામે લડાઈનો પ્રારંભ કરશે. સરકાર ગૌમાતા પોષણ યોજનાની જાહેરાત કરી સહાયની જગ્યાએ વાયદો કરી રહી છે. ગુજરાત સરકાર દ્વારા વર્ષ ૨૦૨૨-૨૩ ના બજેટમાં ગૌમાતા પોષણ યોજના અંતર્ગત રૂ.500 કરોડની જોગવાઈ કરી હતી તેમાં ગુજરાતની તમામ રજીસ્ટર ગૌશાળા પાંજરાપોળોમાં આશ્રિત ગૌવંશ સહિતના પશુઓના નિભાવ માટે આ યોજનાની જાહેરાત કર્યા પછી સરકાર તરફથી યોજનાનો અમલ કરાવવા માટે સંચાલકોએ વારંવાર રજૂઆત કરવા છતાં સરકાર તરફથી કોઇપણ કાર્યવાહી ન થતા નારાજ થઇ સોમવારે જલારામ ગૌશાળા,ભાભર ખાતે બનાસકાંઠા જીલ્લાનાં પ્રતિનિધિઓની બેઠક મળી હતી. બેઠકમાં નક્કી કરવામાં આવ્યું કે તા.07/09/2022 નાં રોજ ભાભર ખાતે ગુજરાતભરના તમામ ગૌશાળા પાંજરાપોળોના સંચાલકો ગૌમાતા અધિકાર માટે વિશાળ સંમેલનનું આયોજન કરી ત્યાંથી સરકાર સામે લડવા માટેની નવી રણનીતિ કરી જાહેરાત કરવામાં આવશે. ગુજરાત માનવસેવા અને પશુસેવા માટે અગ્રેસર છે અને ગુજરાત ભરમાં 1700 જેટલી ગૌશાળા પાંજરાપોળોમાં 4.5 લાખ જેટલા ગૌવંશ સહિતના અન્ય પશુઓની સેવા કરવામાં આવી રહી છે અને આ સંસ્થાઓ દાનદાતાઓના સહયોગથી ચાલે છે.