આગામી તા.૨૮ માર્ચ-૨૦૨૨ થી તા.૧૨ મી એપ્રિલ-૨૦૨૨ સુધી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનાર ધોરણ-૧૦ અને ૧૨ ની જાહેર પરીક્ષાઓ બનાસકાંઠા જિલ્લામાં સુચારું રીતે લેવાય અને વિદ્યાર્થીઓ આત્મવિશ્વાસ પૂર્વક અને શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષાઓ આપી શકે તે હેતુ થી જિલ્લા કલેકટરશ્રી આનંદ પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લા પરીક્ષા સમિતિની બેઠક યોજાઇ હતી.
કલેકટરશ્રીએ બેઠક દરમ્યાન જણાવ્યું કે, બોર્ડની આ જાહેર પરીક્ષાઓ દરમ્યાન વિદ્યાર્થીઓ નિર્ભીક પણે પરીક્ષા આપી શકે તેમજ જિલ્લા તેમજ તાલુકા/ ગ્રામ્ય કક્ષાએથી આવતા પરીક્ષાર્થીઓ ને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે પરીક્ષા કામગીરી સાથે સંકળાયેલા પોલીસ, એસ.ટી. નિગમ, આરોગ્ય વગેરે વિભાગો વિશેષ લક્ષ આપી ખાસ તકેદારી રાખવા સૂચનાઓ આપી હતી. બેઠક દરમ્યાન પરીક્ષા સબંધે થયેલ તૈયારીઓની રૂપરેખા, વિદ્યાર્થીઓની સંખ્યા, બ્લોક વ્યવસ્થાની સાથોસાથ બોર્ડની આ જાહેર પરીક્ષાઓમાં ધોરણ-૧૦માં જિલ્લાના ૬૩ કેન્દ્રો ખાતે ૫૩૯૬૯ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે અને તે માટે ૧૭૪ પરીક્ષા બિલ્ડિંગોમાં ૧૮૬૯ બ્લોક નક્કી કરાયા છે. જ્યારે ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષામાં ૩૪ પરીક્ષા કેન્દ્રોમાં ૨૬૨૪૨ વિદ્યાર્થીઓ તે માટે ૮૪ બિલ્ડિંગોમાં ૭૫૬ બ્લોક નક્કી કરાયા છે. તેવી જ રીતે ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહમાં કુલ પાંચ (૫) કેન્દ્રો ખાતે ૪૩૭૧ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે તે માટે ૧૭ પરીક્ષા બિલ્ડિંગ અને ૨૨૩ બ્લોક નક્કી કરાયા છે.

આ જાહેર પરીક્ષાઓ સુચારું રીતે યોજાય તે માટે ઝોનલ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત વિજિલન્સ સ્કવોડ મુકવામાં આવશે અને આ સ્કવોડની ડ્યુટીમાં રોજેરોજ પરીક્ષા કેન્દ્રો અને બિલ્ડીંગ બદલવામાં આવશે. આ ઉપરાંત પરીક્ષામાં થતી ગેરરીતિ અટકાવવા માટે આકસ્મિક (ફ્લાઇંગ) સ્કવોડનું પણ આયોજન કરવામાં આવશે અને દરેક પરીક્ષા કેન્દ્રોને સી.સી.ટી.વી./ટેબલેટ દ્વારા નિરીક્ષણ હેઠળ રાખવામાં આવશે.
બોર્ડની આ પરીક્ષા દરમિયાન વાલીઓ અને વિદ્યાર્થીઓને પરીક્ષાલક્ષી માર્ગદર્શન મળી રહે તે માટે જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી, જોરાવર પેલેસ, કિચન બ્લોક, પાલનપુર, જિ. બનાસકાંઠા ખાતે કંટ્રોલરૂમ સવારના ૦૭:૦૦ કલાકથી રાત્રિના ૨૦:૦૦ કલાક સુધી કાર્યરત રહેશે. જેનો ફોન નં.- ૦૨૭૪૨-૨૫૭૦૫૫ છે.
આ બેઠક દરમ્યાન નિવાસી અધિક કલેકટર શ્રી એ. ટી. પટેલ, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી ર્ડા.નરેન્દ્રસિંહ ચાવડા, નાયબ પોલીસ અધિક્ષક શ્રી આર. કે. પટેલ, નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી ભરતદાન ગઢવી તથા સંબંધિત અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.