અંબાજી ભાદરવી પૂનમ મહામેળામાં બાળકોની સુરક્ષા અને સલામતી માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. તા.23 થી તા. 29 સપ્ટેમ્બર દરમિયાન અંબાજી ખાતે યોજાઈ રહેલા ભાદરવી પૂનમના મહામેળામાં પગપાળા યાત્રાળુઓ સાથે મોટી સંખ્યામાં નાના બાળકો પણ આવતા હોય છે. આ નાના બાળકો મેળા દરમ્યાન તેમના પરિવારથી વિખુટા પડે અથવા ગુમ થવાના કિસ્સામાં તેમના પરિવાર સાથે બાળકોનું મિલન કરાવવા જિલ્લા વહીવટીતંત્ર અને જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા મેળામાં જુદા જુદા સ્થળે 4 બાળ સહાયતા કેન્દ્ર શરૂ કરવામાં આવ્યા છે.
જેમાં 1. રતનપુર સર્કલ, 2. હડાદ પોલીસસ્ટેશન પોઇન્ટ, 3. જીએમડીસી પોઇન્ટ અને 4. મુખ્ય કંટ્રોલ પોઇન્ટ એમ કુલ ચાર બાળ સહાયતા કેન્દ્રો પરથી બાળકોને આઇડી કાર્ડ પહેરાવવામાં આવે છે. જેમાં બાળકોના નામ, વાલીનું નામ, સરનામું, મોબાઇલ નં, ઇમર્જન્સી મો. નં વગેરે તમામ વિગતો હોય છે.
ગુમ થયેલ બાળકોની શોધખોળની કામગીરી તથા વિખુટા પડેલ બાળકને પરિવાર ન મળે ત્યાં સુધી બાળકને સલામત કસ્ટડીમાં રાખવાની કામગીરી મુખ્ય કંટ્રોલ પોઇન્ટ ખાતે બાળ સહાયતા કેન્દ્ર પર કરવામાં આવે છે. જેમાં ચાઈલ્ડ ફ્રેન્કલી ગેલેરી/ ફીડિંગ રૂમ, ઘોડિયા ઘર/રમકડાં ઘર, દૂધ પાવડર -બિસ્કિટ જેવી સવલતો બાળકો માટે કરવામાં આવેલ છે. અને જ્યાં સુધી વાલી વારસો મળી ના આવે ત્યાં સુધી બાળકોને કાઉન્સિલીગ સેવા દ્વારા ચાઈલ્ડ ફ્રેન્કલી વાતાવરણમાં સાચવવામાં આવે છે.
મેળાની શરૂઆતના બે દિવસમાં જ 1800 બાળકોને આઈકાર્ડ પહેરાવવામાં આવ્યા. આ કાર્ડની મદદથી પરિવારથી વિખુટા પડેલા 13 બાળકોને શોધી સાચવી તેમના વાલીઓથી મિલન કરાવવામાં આવ્યું છે.