ગુજરાત એસ. ટી. નિગમની 1250 બસો યાત્રાળુઓની સેવામાં કાર્યરત

   વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળાની શાનદાર જમાવટ થઇ રહી છે. માઈભક્તો પગપાળા માં અંબા ના દર્શન માટે આવી રહ્યા છે તો ઘણા શ્રદ્ધાળુઓ ગુજરાત એસ. ટી. નિગમની બસ મારફતે પણ અંબાજી આવી રહ્યા છે.

અંબાજી આવતા મોટાભાગના લોકો પરત પોતાના ઘેર ગુજરાત એસ. ટી. નિગમની બસોમાં પ્રવાસ કરીને જાય છે. દૂર સુદૂર થી આવતા યાત્રાળુઓની સેવામાં ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ દ્વારા 1250 જેટલી બસો મુકવામાં આવી છે. યાત્રાળુઓની સેવામાં કાર્યરત આ બસ સેવાનો લાભ લઈ યાત્રિકો રાજ્ય સરકાર અને વહીવટી તંત્રની કામગીરીને બિરદાવી રહ્યા છે અને તે સેવાનો અવિરત લાભ લઈ  રહ્યા છે.

         મેળામાં એસ. ટી. તંત્ર દ્વારા કરવામાં આવેલ વ્યવસ્થાઓ અંગે માહિતી આપતાં વિભાગીય પરિવહન અધિકારીશ્રી વિનુભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ભાદરવી પૂનમના મેળામાં દર વર્ષની જેમ આ વખતે પણ એસ.ટી. વિભાગના એમ.ડી. શ્રી ગાંધીના સીધા માર્ગદર્શન હેઠળ આગવી વ્યવસ્થા કરવામાં આવી છે અને યાત્રિઓને સુવિધાસભર સેવા આપવામાં આવી રહી છે. અંબાજીમાં આવતા મુસાફરોને કોઈપણ પણ તકલીફ ના પડે તે માટે વિશેષ સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે.

આ વર્ષે પાલનપુર ઉપરાંત મહેસાણા, હિંમતનગર, અમદાવાદ આ 4 વિભાગો મળીને ગત વર્ષ કરતાં 250 થી વધુ બસોનું સંચાલન કરીને યાત્રીઓને સુવિધાસભર સેવા પૂરી પાડવામાં આવી રહી છે. આ વખતે અંબાજી મેળામાં એસ.ટી બસ દ્વારા પાલનપુરની 250 બસ, અમદાવાદ 250 બસ, મહેસાણા 200, હિમંતનગરમાં 200 બસો વિભાગ દ્વારા યાત્રીઓને સેવા આપી રહી છે. આ વખતે મેળામાં 40 નવી મીની બસ યાત્રીઓની સેવામાં કાર્યરત છે. જેમાં 15 મીની બસ દાંતા અને અંબાજી તથા 25 આર.ટી.ઓ. સર્કલથી ગબ્બરની તળેટીમાં યાત્રીઓની સેવામાં કાર્યરત છે.

           હિંમતનગરના રાજપુરના રહેવાસી યાત્રાળુ શ્રી વૈભવે પટેલે જણાવ્યું હતું કે ભાદરવી પૂનમ મેળામાં આવીને માં ના દર્શનનો લ્હાવો લીધા પછી ગબ્બરના દર્શને આવ્યા છીએ. હવે રાજપુર જવાનું હોવાથી અહીં ગબ્બર તળેટી બસ સ્ટેન્ડ  આવ્યા છીએ. મેળામાં બસોની સુવિધા બહુ જ સારી છે. ગુજરાતમાં કોઈપણ જગ્યાએ જવા માટે અહીંથી બસો મળી રહે છે તે માટે ગુજરાત એસ.ટી. નિગમના આભારી છીએ. આવી સુવિધાઓ પૂરી પાડવા બદલ રાજ્ય સરકારનો પણ આભાર વ્યક્ત કરું છું.

            સાબરકાંઠા જિલ્લાના રંગપુર ગામના શ્રદ્ધાળુ શ્રી જીગર પટેલે જણાવ્યું કે, અમે છેલ્લા 10 વર્ષથી માં અંબા ના દર્શન માટે આવીએ છીએ. દર વર્ષ કરતા આ વખતે પદયાત્રીઓ માટે સેવા કેમ્પ સારા છે, ન્હાવા, ધોવાની અને રહેવાની સુવિધાઓ ખુબ સારી છે. માં ના દર્શન કરી પરત ફર્યા છીએ ત્યારે એસ. ટી.ની સુવિધા પણ ખુબ જ સારી છે. આવી સુવિધા માટે રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરીએ છીએ.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exit mobile version