બનાસકાંઠા જિલ્લાના અધિકારીશ્રીઓએ દત્તક લીધેલા પાલનપુર શહેરની શેરીઓમાં રહેતા ૧૦૧ બાળકોને સહાય વિતરણનો કાર્યક્રમ પાલનપુર ખાતે ધારાસભ્યશ્રી અનિકેતભાઇ ઠાકરના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. જેમાં દાતાશ્રીઓના સહયોગથી જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા યોજાયેલ કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી અને મહાનુભાવોના હસ્તે બાળકોને સ્કુલ બેગ, બુટ-મોજા, કંપાસ બોક્ષ સહિતની શૈક્ષણિક કીટ અપાઇ હતી.આ પ્રસંગે ધારાસભ્ય અનિકેતભાઇ ઠાકરે જણાવ્યું કે, આપણા લોકપ્રિય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના છેલ્લા ૯ વર્ષના શાસનમાં વહીવટી તંત્રમાં આમૂલ પરિવર્તન અને બદલાવ આવ્યો છે. સરકારશ્રીના સંવેદનશીલ અભિગમના કારણે બનાસકાંઠા કલેક્ટરશ્રીના નેતૃત્વમાં જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ શેરીમાં રહેતા બાળકોને દત્તક લઇ તેમના શિક્ષણની ચિંતા કરે છે.
જિલ્લામાં આવા ૧૦૧ બાળકોને અધિકારીશ્રીઓએ દત્તક લીધા છે જેના પરિણામે આ બાળકો ભણી-ગણીને આગળ વધશે. જેનાથી આવતીકાલના ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ થશે. તેમણે દાતાશ્રીઓ અને જિલ્લા વહીવટી તંત્રને અભિનંદન પાઠવતા જણાવ્યું કે, દાતાશ્રીઓના દાન અને વહીવટી તંત્રના અધિકારીઓના સરાહનીય પ્રયાસોથી મજુરી કરીને જીવન ગુજારતા પરિવારના બાળકોનું પણ ભવિષ્ય ઉજળું બનશે.જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી એમ.કે.જોષીએ આ કાર્યક્રમમાં બનાસકાંઠા જિલ્લા ચાઇલ્ડ વેલ્ફેર કમિટીના ચેરમેનબનાજી રાજપૂત, ર્ડા.વસંત ગણાત્રા, બાળ સુરક્ષા અધિકારીશ્રી ર્ડા. આશીષ જોષી સહિત અધિકારીઓ- કર્મચારીઓ, શેરીમાં રહેતા બાળકો અને તેમના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા