બનાસકાંઠા માં વર્ષ ૨૦૧૮માં ડીસા નગરપાલિકા દ્વારા અઢી કરોડના ખર્ચે હવાઈ પિલલર મેદાન નજીક આવેલી જમીન પર બગીચો બનાવવામાં આવ્યો હતો.. અને આ બગીચાનું નામ નાનાજી દેશમુખ ગાર્ડન રાખવામા આવ્યું હતું.. બગીચો તૈયાર થયો ત્યારથી જ વિવાદનું કેન્દ્ર બન્યો હતો.. તત્કાલિન કલેક્ટર દ્વારા આ બગીચો જ્યાં તૈયાર કરવામાં આવ્યો હતો તે જગ્યા બિન નંબરી જગ્યા હોવાના લીધે પાલિકાએ મંજૂરી વગર બગીચો બનાવી દેતા બગીચાના લોકાર્પણ પહેલા જ સ્ટે લાવી દીધો હતો. ત્યારબાદ નગરજનોની સુવિધા માટે તૈયાર થયેલા આ બગીચાને શરૂ કરવા માટે અનેકવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં રાજકીય કારણોસર બગીચો બંધ રહ્યો હતો.. લોકો દ્વારા આ બગીચાને ખુલ્લો મૂકવા માટે અનેકવાર રજૂઆત કરવામાં આવી હતી.. અને છેલ્લા ચાર વર્ષથી અનેક સંગઠનો પણ બગીચાને ખુલ્લો મૂકવાની માંગ કરી રહ્યા હતા.. તેમ છતાં બગીચો ખુલ્લો મૂકવામાં આવ્યો નહોતો.. ત્યારે આજે લોકોની આ માંગ પર હંમેશા માટે પૂર્ણ વિરામ લાગી ગયો છે.. આજે બપોરના સમયે અચાનક બગીચામાં આગ લાગી હતી.. અને જોત જોતામાં આ આગે ભીષણ સ્વરૂપ લઈ લીધું હતું અને સમગ્ર બગીચામાં આગ ફેલાઈ ગઈ હતી.. આ ઘટનાની જાણ થતાં લોકો પણ ઘટનાસ્થળ પહોંચી ગયા હતા અને ડીસા નગરપાલિકાની ફાયર ફાઇટરની ટિમ પણ ઘટનાસ્થળ પર પહોંચીને પાણીનો મારો ચલાવીને આગ બુજવવાના પ્રયાસોમાં કરવામાં આવ્યા હતા .. પરંતુ આ આગ પર કાબૂ મેળવવામાં આવે તે પહેલા જ આગ આખા બગીચામાં ફેલાઈ ગઈ હતી અને સમગ્ર બગીચો બળીને રાખ થઈ ગયો હતો.. આ ઘટના બનતા અમારી મીડિયા ટિમ ના પ્રતિનિધિ ઘટનાસ્થળ પહોંચી હતી અને બગીચામાં લાગેલી ભીષણ આગ બાદ કેવો માહોલ હતો તેની તસ્વીરો કેમેરામાં કેદ કરી હતી…