પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળાની શાનદાર જમાવટ થઇ રહી છે. અંબાજી તરફ જતા તમામ રસ્તાઓ પર માઇભક્તો ગરબાની રમઝટ સાથે આગળ વધી રહ્યાં છે. મેળા પ્રથમ દિવસે અંબાજીમાં થયેલા વરસાદને લીધે ગરમીથી લોકોને થોડી રાહત મળતાં માઇભક્તો અદમ્ય ઉત્સાહ અને આંનદ સાથે અંબાજી તરફ ચાલી રહ્યા છે. અંબાજી વિસ્તારના ડુંગરાઓ સોળે કળાએ ખીલ્યા હોવાથી પ્રકૃતિના સાંનિધ્યમાં હવે અંબાજી મુકામે મિનીકુંભનો માહોલ સર્જાશે.
બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર અને શ્રી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા યાત્રિકો માટે ઠેર ઠેર વિશાળ પ્રમાણમાં સુવિધાઓ ઉપલબ્ધ બનાવાઇ છે. મેળાની વ્યવસ્થા માટે જુદી જુદી 29 સમિતિઓ બનાવી બનાસકાંઠા જિલ્લા કલેક્ટર કમ અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેનશ્રી વરુણકુમાર બરનવાલ મેળાની સમગ્ર પરિસ્થિતી પર સીધી નજર રાખી અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડી રહ્યા છે.

અંબાજીના ડુંગરાઓમાં ભક્તિરસની રમઝટ
દાંતા- અંબાજી વિસ્તારના ડુંગરાઓ જાણે જીવંત બન્યા છે અને ચારેબાજુ બસ ભક્તિરસની જ રમઝટ જોવા મળે છે. દૂર દૂરથી યાત્રિકો બોલ મારી અંબે........જય જય અંબે....... ના પ્રચંડ જયઘોષ સાથે અંબાજીના ડુંગરાઓ ચઢી રહ્યા છે. સંઘમાં આવતા માઇભક્તો માતાજીના રથને ભક્તિભાવપૂર્વક ખેંચીને તેમજ ગરબાના તાલે રમતા- ઝુમતા અંબાજી તરફ આનંદથી આગળ વધી રહ્યા છે.
રસ્તાઓ ઉપર ઘણા સ્થળોએ વિવિધ સેવાકેન્દ્રો કાર્યરત બન્યાં છે. જેમાં યાત્રિકોને ચા-પાણી, નાસ્તો, જમવાનું તથા વિસામાની સગવડ મળે છે. મેળા પ્રસંગે માઇભક્તો ભક્તિમાં જાણે તરબોળ બન્યાં છે. રસ્તાઓ ઉપર વિવિધ સેવાકેન્દ્રોના સંચાલકો અને સ્વયંસેવકો પદયાત્રિકોને આદરપૂર્વક વિનવણી કરીને ચા- નાસ્તો, જમવાની સેવાનો લાભ લેવા આગ્રહ કરતા જોવા મળે છે. સેવાકેન્દ્રો ઉપર પણ ભક્તિ સંગીત, ગરબાના તાલે માઇભક્તો ઝુમી રહ્યા છે.
અંબાજી મંદિરના ચાચર ચોકમાં માઇભક્તો હર્ષપૂર્વક માતાજીના જયઘોષ કરી રહ્યા છે. ઘણા ભાવિકો ભક્તિભાવથી મંદિરના શિખર ઉપર ધજાઓ ચડાવે છે. દર્શન કરીને મંદિર બહાર આવતા યાત્રિકોના મોં પર આનંદ અને સંતોષની લાગણી જોવા મળે છે.
વિનામૂલ્યે ભોજનની વ્યવસ્થા
અંબાજી મેળામાં આવતા લાખો યાત્રિકોને વિનામૂલ્યે ભોજન મળી રહે એ માટે 3 જગ્યાએ વ્યવસ્થા કરવામાં આવી છે. જે અંતર્ગત દિવાળી બા ભવન, ગબ્બર તળેટી અને અંબિકા ભોજનલયમાં વિનામૂલ્યે ભોજન આપવામાં આવે છે