તા. ૩ ઓગષ્ટ ના રોજ પાવાગઢ મુકામે વન મહોત્સવ અને વન કવચના લોકાર્પણ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના વરદહસ્તે અને વન મંત્રીશ્રી મુળુભાઇ બેરા તથા રાજયકક્ષાના વન મંત્રીશ્રી મુકેશભાઇ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં બનાસકાંઠા જિલ્લાના સૂઇગામ તાલુકાના નડાબેટ ખાતે વુલ્ફ (નાર) સોફ્ટ રીલિઝ સેન્ટરનું ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લા નાયબ વન સંરક્ષકશ્રી પી. જે. ચૌધરી સહિતના અધિકારીશ્રીઓએ મુખ્યમંત્રીશ્રી દ્વારા કરવામાં આવેલ ઇ લોકાર્પણ કાર્યક્રમ નિહાળી
વરૂ સોફ્ટ રિલિઝ સેન્ટર ને ખુલ્લું મૂક્યું હતું.
બનાસકાંઠા જિલ્લા નાયબ વન સંરક્ષકશ્રી પી. જે. ચૌધરીના જણાવ્યા મુજબ વુલ્ફ સોફ્ટ રીલિઝ સેન્ટર લોકાર્પણ થયા બાદ વરૂઓને સ્થળાંતર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ સેન્ટરમાં ૪ હેકટર વિસ્તારમાં વરુ માટે કુદરતી આવાસ માટે પ્રિ-રીલિઝ કેજ તથા ૧ હેક્ટર વિસ્તારમાં તૃણાહારી પ્રાણીઓ માટે કેજ બનાવવામાં આવ્યા છે. અહીં વરૂ સારવાર અને નિરીક્ષણ માટે એનિમલ હાઉસ, મોનીટરીંગ યુનિટ, મેડીકલ યુનીટ સહિતની તમામ સુવિધાઓથી સજ્જ સેન્ટર તૈયાર કરવામાં આવ્યું છે.
ગુજરાત રાજયના બનાસકાંઠા જિલ્લાના પશ્ચિમ દિશાએ પાકિસ્તાન સરહદ નજીક ૨૫૦૦ હેક્ટર વિસ્તારમાં ફેલાયેલ જંગલને નડાબેટ જંગલ તરીકે ઓળખવામાં આવે છે. સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય, જુનાગઢ ખાતે વરુ સંવર્ધન કેંદ્રમાં છેલ્લા ૫ વર્ષમાં અંદાજીત ૭૦ જેટલા બાળ વરુઓનો જન્મ થયેલ છે. જે બાળ વરૂઓને કુદરતી અવસ્થામા પુન:સ્થાપિત કરવા ગુજરાત સરકારશ્રી દ્વારા પહેલ કરવામાં આવી છે.
આ પ્રસંગે આસી.કમાન્ડન્ટ પી.કે યાદવ, થરાદ આર.એફ.ઓ સી.એમ.બારડ, જિલ્લા કારોબારી સદસ્યશ્રી બીપીનભાઈ ત્રિવેદી, અગ્રણીઓશ્રી વિહાજી રૂપાણી, થાનાજી રાજપૂત, દુદાજી રાજપૂત, રામસિંગ રાજપૂત, મગનીરામભાઈ રાવલ, વનખાતાનો સ્ટાફ સહિત સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા.