ટી-20 વર્લ્ડકપ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત થઇ તો કેટલાક સવાલ ઉભા થયા હતા. એશિયા કપમાં ભારતીય બોલિંગની સ્થિતિ થઇ તે બાદ ટી-20 વર્લ્ડકપ ટીમને લઇને નિશાન સાધવામાં આવ્યુ હતુ. મોહમ્મદ શમીનો રિઝર્વ ખેલાડી તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે, તેના ટીમમાં સામેલ ના થવા પર કેટલાક એક્સપર્ટે આપત્તિ વ્યક્ત કરી છે પરંતુ હવે તેનું કારણ પણ સામે આવ્યુ છે.
ટી-20 વર્લ્ડકપની ટીમને લઇને બીસીસીઆઇના એક અધિકારીએ કહ્યુ કે જો કોઇ ખેલાડીએ છેલ્લા 10 મહિનાથી કોઇ પણ ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ ના રમી હોય અને તેને સીધી ટી-20 વર્લ્ડકપ ટીમમાં સામેલ કરવો આસાન નથી હોતો.
સિલેક્શન કમિટીના એક સભ્યએ જણાવ્યુ કે હર્ષલ પટેલે આ બ્રેકનો ઘણો ઉપયોગ કર્યો અને તે સતત વાપસીનો પ્રયાસ કરી રહ્યો હતો. એવામાં તેને નજરઅંદાજ ના કરી શકાય, જો હર્ષલ પટેલ અથવા જસપ્રિત બુમરાહ સીનમાં ના હોત તો મોહમ્મદ શમી ખુદ જ ટી-20 વર્લ્ડકપ ટીમમાં સામેલ થઇ જાત.
જોકે, જો કોઇ પણ બોલર અથવા ખેલાડીને કોઇ તકલીફ પડે છે જે 15 ખેલાડીઓની ટીમમાં સામેલ છે ત્યારે સૌથી પહેલા મોહમ્મદ શમીને જ સ્કવોર્ડનો ભાગ બનાવવામાં આવશે. ટીમ ઇન્ડિયાએ ટી-20 વર્લ્ડકપ માટે 15 ખેલાડીઓની ટીમ અને 4 રિઝર્વ ખેલાડીને સામેલ કર્યા છે. મોહમ્મદ શમીની વાત કરવામાં આવે તો તેને પોતાની અંતિમ ટી-20 મેચ ટી-20 વર્લ્ડકપ 2021માં રમી હતી, તે બાદથી જ તેની પસંદગી ટી-20 ટીમમાં નથી થઇ. એશિયા કપમાં પણ તેની પસંદગીની આશા હતી પરંતુ એવુ થયુ નહતુ.
ટી-20 વર્લ્ડકપ માટે ભારતીય ક્રિકેટ ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઇસ કેપ્ટન), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, દીપક હુડ્ડા, રિષભ પંત (વિકેટ કીપર), દિનેશ કાર્તિક (વિકેટ કીપર), હાર્દિક પંડ્યા, આર.અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, જસપ્રીત બુમરાહ, ભૂવનેશ્વર કુમાર, હર્ષલ પટેલ, અર્શદીપ સિંહ
સ્ટેન્ડબાય ખેલાડી- મોહમ્મદ શમી, શ્રેયસ અય્યર, રવિ બિશ્નોઇ, દીપક ચહર