વડગામ તાલુકાના જલોત્રા ગામે મામલતદારશ્રી અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટશ્રી લાલજીભાઈ જીવાભાઈ મકવાણાની વય નિવૃત્તિ પ્રસંગે યોજાયેલ ભાવ દર્શન સમારોહમાં રાજ્યના ઉદ્યોગમંત્રી અને બનાસકાંઠા જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી બલવંતસિંહ રાજપુત ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
રાજ્યના કેબિનેટ મંત્રીશ્રી બલવંતસિંહ રાજપુતે આ પ્રસંગે પ્રાસંગિક ઉદબોધન કરતાં વય નિવૃત મામલતદારશ્રી અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટશ્રી લાલજીભાઈની કર્તવ્ય નિષ્ઠા અને સેવાભાવનાને બિરદાવી તેમને અભિનંદન પાઠવ્યા હતા. તેમજ મોમેન્ટો આપી લાલજીભાઈનું સન્માન કર્યું હતું. નોકરી સાથે સમાજ , શિક્ષણ અને ધર્મના ક્ષેત્રોમાં શ્રી લાલજીભાઇ મકવાણા એ કરેલ કાર્યોની પ્રસંશા કરી મંત્રીશ્રીએ જણાવ્યું કે, માણસ જન્મે ત્યારે ખાલી હાથે આવે છે અને મૃત્યુ પામે ત્યારે ખાલી હાથે જાય છે. માણસની સાથે ફક્ત એના સતકર્મો આવતા હોય છે. જેવું કર્મ કરશો એવું ફળ પામશો એમ જણાવતાં મંત્રીશ્રી બલવંતસિંહ રાજપુતે સમાજ, રાષ્ટ્ર, ગુરુ, માતા અને વતનનું ઋણ ચૂકવવાનો અવસર કયારેય જતો કરવો જોઈએ નહીં એમ કહી લાલજીભાઈને કર્તવ્ય પથ પર આગળ વધવા શુભેચ્છાઓ પાઠવી હતી.
આ પ્રસંગે પાલનપુરના ધારાસભ્યઅનિકેતભાઈ ઠાકર, પૂજ્ય મહંતશ્રી બેચરસ્વામી મહારાજ, પૂજ્ય સંતશ્રી પ્રકાશબાપુ મહારાજ, સંતશ્રી દોલતરામ બાપુ સહિત રાજકીય, સામાજિક, શૈક્ષણિક, ધાર્મિક અને સાહિત્ય ક્ષેત્રના અગ્રણીઓ, ગ્રામ આગેવાનો અને જીવાભાઈ મકવાણા પરિવાર સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.