
કનોડા ગામની સીમમાં ઓએનજીસીના વેલ પર કરેલી ફેન્સિંગની અંદર લાકડાં કાપતાં અટકાવતાં એસઆરપી જવાન પર હુમલો કરનારા 7 શખ્સો સામે મોઢેરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. મહેસાણા એસઆરપી ગૃપ-15ના પો.કો. તુષારકુમાર શિવરામભાઇ, ડ્રાઇવર ઉમંગ ઉર્ફે રાજુભાઇ સાથે રૂટ પેટ્રોલિંગમાં હતા. ત્યારે ઓએનજીસી કંટ્રોલ રૂમમાંથી હેતલ દેસાઇએ ફોન કરીને કનોડા ગામે લીંમડીપુરા નજીક આવેલા શક્તિ માના મંદિર આગળ ઓએનજીસી જીજીએસની બે ગાડીઓ લીંબડીપુરા (સુણસર) ગામના કનુસિંહ લાલસિંહ ઝાલા અને ઝીલુસિંહ લાલસિંહ ઝાલાએ રોકી છે તો તમે ત્યાં જાઓ તેવો મેસેજ આવતાં તેઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા.
અહીં ગાડી રોકવા બાબતે પૂછતાં કનુસિંહ અને ઝીલુસિંહે કાલે કોણે અમારા ઘરવાળાંને લાકડાં કાપવાની ના પાડી હતી તેમ કહી હાથમાં રહેલો ધોકો આડેધડ મારતાં તે નીચે બેસી ગયા હતા. આ સમયે હોબાળો થતાં અન્ય 4 વ્યક્તિ અહીં દોડી આવી જીવલેણ હથિયારો વડે હુમલો કરે તે પહેલાં જ પો.કો. તુષારકુમાર જીવ બચાવીને ભાગ્યા હતા. ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડાયા બાદ તેમણે કનુસિંહ લાલસિંહ ઝાલા, ઝીલુસિંહ લાલસિંહ ઝાલા, ગીલુસિંહ લાલસિંહ ઝાલાનાં પત્ની અને અન્ય 4 વ્યક્તિઓ સામે મોઢેરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો હતો.