ડીસા તાલુકાના કુચાવાડા ગામે એક દુકાનમાં ડોકટરની ડીગ્રી વગર એલોપેથી દવાઓથી લોકોની સારવાર કરી ખાનગી ડોકટરની પ્રેક્ટિસ કરતા હોવાની હકીકત આધારે ઓચિંતી તપાસ કરી એક ઇસમને ઝડપી પાણી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગેની વિગત જોઇએ તો, મેડીકલ ઓફીસર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કુચાવાડાના ડો. અશોકભાઇ એલ. પરમારને કુચાવાડા ગામે ડિગ્રી વગર એક ઇસમ ખાનગી ડોકટરની પ્રેક્ટિસ કરતા હોવાની મળેલ ખાનગી હકીકત આધારે નયનેશભાઇ બાબુભાઇ મેવાડા ફાર્માસીસ્ટ પ્રા. આરોગ્ય કેન્દ્ર કુચાવાડા તથા આશીષભાઇ મણીભાઇ લીંબાચીયા સુપરવાઇઝર મેલેરીયા શાખા પાલનપુર તથા હેમાભાઇ નરસંગભાઇ ચૌધરી લેબોરેટરી ટેકનીસીયન પાલનપુરનાએ ઓચિંતી તપાસ હાથ ધરી કુચાવાડા ગામે દેના ગ્રામીણ બેકની બાજુમાં આવેલ જગ્યાએ એક દુકાનમાં ઇદ્રીશભાઇ અયુબભાઇ મેમણ, રહે. મહુડી, તા.દાંતીવાડા મુળ રહે. જુનાડીસા, તા.ડીસા તેઓ ડોકટર તરીકે પ્રેકટીસ કરતા હોઇ તેઓની લાયકાત અંગેનુ ડીગ્રી સર્ટીફિકેટ માંગતા તેમની પાસે કોઇ સર્ટીફિકેટ મળી આવેલ નહીં તેમજ તેઓએ ધોરણ ૧૦ સુધી અભ્યાસ કરેલ હોવાનું જણાવેલ. જ્યારે આ ઇસમ કુચાવાડા ગામે પોતાનુ દવાખાનુ ચાલુ કરી છેલ્લા ચાર વર્ષથી એલોપેથિક દવાઓ વડે લોકોની તબીબી પ્રેક્ટીસ કરી ગેરકાયદેસર રીતે દવાઓ રાખી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હોવાનું જણાઇ આવતાં કુચાવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફિસરે ડીસા રૂરલ પોલીસ મથકે ઇદ્રીશભાઇ અયુબભાઇ મેમણ વિરૂધ્ધ ફરીયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.