ગુજરાતની રિન્યુએબલ એનર્જીની સ્થાપિત ક્ષમતા 2022ના અંત સુધીમાં 19700 મેગાવોટ સુધી લઇ જવાના પ્રયાસ શરૂ કરવામાં આવ્યા છે. અત્યારે ગ્રીન એનર્જીમાં ગુજરાત સમગ્ર દેશમાં અગ્રતાક્રમ ધરાવે છે અને તેની સ્થાપિત ક્ષમતા હાલ 15447 મેગાવોટની છે.
રાજ્યના ઉર્જા વિભાગના ટોચના અધિકારીએ જણાવ્યું હતું કે 2013માં ગુજરાતની રિન્યુએબલ એનર્જી સ્થાપિત ક્ષમતા માત્ર 4126 મેગાવોટની હતી. ગુજરાતે નવ વર્ષમાં તેમાં અનેકગણો વધારો કર્યો છે. હવે ગુજરાત સરકારે ગ્રીન હાઇડ્રોજનનું ઉત્પાદન શરૂ કરવાનું આયોજન કર્યું છે, જે અન્ય રાજ્યોની સરખામણીએ પ્રથમ પ્રયાસ છે. આ ક્ષેત્રમાં ભારત સરકારના સંકલન હેઠળ ગુજરાતમાં આ પ્રકારની નવી ટેકનોલોજીથી ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદનમાં પાયલોટ સ્કેલ પ્રોજેક્ટની સ્થાપના કરવાનું આયોજન છે.
ગુજરાતમાં ફેબ્રુઆરી 2022 સુધીમાં 24049 કૃષિ વિષયક કુવાનું વીજળીકરણ કરવામાં આવેલ છે. ઉપરાંત વધારાના અંદાજિત 15400 કૃષિ વિષયક વીજ જોડાણો આપવાનું આયોજન છે. આ વર્ષે અંદાજિત 61469 કૃષિવિષયક વીજ જોડાણ અને 306 કૃષિ ફીડરોના વિભાજનનું આયોજન કરવામાં આવ્યું છે.
કચ્છ જીલ્લાના ખાવડા ખાતે 30000 મેગાવોટના હાઇબ્રિડ સોલર પાર્કના નિર્માણની કામગીરી શરૂ કરવામાં આવી છે જે પૈકી 10000 મેગાવોટ ઉત્પાદન માટે જરૂરી જમીન રાજ્ય સરકાર હસ્તકની કંપની માટે અનામત રાખવામાં આવી છે. એટલું જ નહીં, ખાવડા-કચ્છ પાસે આંત૨રાષ્ટ્રીય સરહદ વિસ્તારની નજીક 3325 મેગાવોટ સોલર પ્રોજેક્ટની સ્થાપના કરવા ગુજરાત ઉર્જા વિકાસ નિગમને 6650 હેક્ટર જમીન ફાળવવામાં આવી છે