નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાની ઉપસ્થિતિમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કાર્યક્રમ યોજાયો; સરદાર પટેલને પુષ્પાંજલિ અર્પણ કરી સામૂહિક એકતા શપથ લેવાયા
લોખંડી પુરુષ અને અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે થરાદ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાના રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વિધાનસભાના નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લાના પદાધિકારીઓ, વહીવટી અધિકારીઓ અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમની શરૂઆતમાં ઉપસ્થિત મહાનુભાવોએ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી તેમના રાષ્ટ્રનિર્માણના યોગદાનને યાદ કર્યું હતું. દેશના 562થી વધુ દેશી રજવાડાંઓનું એકીકરણ કરીને અખંડ ભારતના નિર્માણમાં સરદાર પટેલે ભજવેલી ભૂમિકાને યાદ કરી તેમના વિચારો અને આદર્શોને જીવનમાં ઉતારવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.

શિક્ષણ, સમાજસેવા અને રમતગમત ક્ષેત્રની પ્રતિભાઓનું સન્માન
રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી દરમિયાન વાવ-થરાદ જિલ્લામાં શિક્ષણ, સમાજસેવા, રમતગમત અને વહીવટી ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરનાર નાગરિકોનું મહાનુભાવોના હસ્તે જાહેર સન્માન કરવામાં આવ્યું હતું. સન્માનિત પ્રતિભાઓને પ્રશસ્તિપત્ર એનાયત કરી તેમની કામગીરીને બિરદાવવામાં આવી હતી.
આ પ્રસંગે ઉપસ્થિત અધિકારીઓ, પદાધિકારીઓ અને નગરજનોએ દેશની એકતા, અખંડિતતા, આંતરિક સુરક્ષા અને પરસ્પર ભાઈચારો જાળવી રાખવા માટે સામૂહિક રાષ્ટ્રીય એકતા શપથ લીધા હતા.
સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતેના કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું
કેવડિયા સ્થિત એકતાનગર ખાતે સ્ટેચ્યૂ ઓફ યુનિટી પરિસરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં યોજાયેલા રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ થરાદના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે વિશાળ LED સ્ક્રીન પર કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત મહાનુભાવોએ નગરજનો સાથે આ કાર્યક્રમ નિહાળ્યો હતો.
સમગ્ર કાર્યક્રમ દરમિયાન દેશભક્તિ અને રાષ્ટ્રીય એકતાનો માહોલ જોવા મળ્યો હતો. કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ અર્જુનસિંહ વાઘેલા, પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ, જિલ્લા કલેક્ટર એમ.જે. દવે, જિલ્લા વિકાસ અધિકારી કલ્પેશકુમાર શર્મા, જિલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયા સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સરદાર પટેલના એકતા અને અખંડિતતાના વિચારોને યાદ કરી દેશની એકતાનો સંદેશ સમાજના દરેક વર્ગ સુધી પહોંચાડવાના સંકલ્પ સાથે કાર્યક્રમ પૂર્ણ થયો હતો.
