વાવ પંથકમાં સગીરાના અપહરણ અને પોક્સો કેસનો ભેદ ઉકેલાયો, બે આરોપીની ધરપકડ

ધ્રુપલ  કલાલ ( જયસ્વાલ ) : વાવ થરાદ જિલ્લાના વાવ પંથકમાં 15 વર્ષીય સગીરાના અપહરણના કેસમાં વાવ પોલીસે ઝડપી કાર્યવાહી કરીને કેસનો ભેદ ઉકેલી બે આરોપીની ધરપકડ કરી છે. પોલીસે શૈલેશ મજરાણા (માડકા) અને સુરેશ માજીરાણા (મલુપુર)ને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસના જણાવ્યા અનુસાર, તા. 24 ઓગસ્ટ 2026ની રાત્રે વાવ પંથકના એક ગામમાંથી 15 વર્ષીય સગીરાને તેના કાયદેસરના વાલીપણામાંથી અજાણ્યો શખ્સ લલચાવી-ફોસલાવી લઈ ગયો હોવાની ફરિયાદ વાવ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી.

આ અંગે વાવ પોલીસ સ્ટેશનમાં ગુના રજીસ્ટર નં. 402/2026 હેઠળ ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 137(2), 64(2)(એમ), 65(1), 75(2), 54 તેમજ પોક્સો એક્ટની કલમ 4 અને 6 મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો.

CCTV અને હ્યુમન સોર્સિસની મદદથી તપાસ

ફરિયાદ બાદ વાવ પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન પોલીસે આસપાસના વિસ્તારોના CCTV ફૂટેજ ચકાસ્યા હતા તેમજ હ્યુમન સોર્સિસની મદદથી આરોપીઓ સુધી પહોંચવા માટે તપાસ હાથ ધરી હતી.

પોલીસ તપાસમાં મહત્વની કડીઓ મળ્યા બાદ પોલીસે કાર્યવાહી કરી બંને આરોપીઓને ઝડપી પાડ્યા હતા. આ સાથે સગીરાના અપહરણ અને પોક્સો કેસનો ભેદ ઉકેલાયો હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે.

મોટરસાયકલ અને ત્રણ મોબાઇલ ફોન કબજે

પોલીસે આરોપીઓ પાસેથી ગુનામાં ઉપયોગમાં લેવાયેલી મોટરસાયકલ તેમજ ત્રણ મોબાઇલ ફોન કબજે કર્યા હોવાનું જાણવા મળ્યું છે.

બંને આરોપીઓની ધરપકડ બાદ તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને સમગ્ર મામલે વધુ તપાસ ચાલુ છે.

વાવ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા સમગ્ર કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું પોલીસ તરફથી જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *