યે હૈ ન્યુઝ ઇન્ડિયા : વાવ થરાદ (ધ્રુપલ કલાલ (જયસ્વાલ)
વાવ થરાદ જિલ્લાના વાવ વિસ્તારમાં સાયબર ક્રાઈમ સામે ચાલી રહેલી કાર્યવાહી દરમિયાન વાવ પોલીસે મોટું નેટવર્ક બહાર લાવ્યું છે. પોલીસ તપાસમાં કુલ રૂપિયા 2,99,66,712 જેટલા સાયબર ફ્રોડના નાણાં બેંક ખાતાઓ મારફતે સગેવગે કરનાર ગેંગનો પર્દાફાશ થયો છે. આ મામલે દેથળી ગામના છ શખ્સો સામે વાવ પોલીસ મથકે ગુનો નોંધાયો છે.

રાજ્યમાં વધી રહેલા સાયબર ગુનાઓને ધ્યાનમાં રાખી ગુજરાત પોલીસ દ્વારા શંકાસ્પદ બેંક ખાતાઓ અને મ્યુલ એકાઉન્ટની તપાસ હાથ ધરવામાં આવી રહી છે. તે દરમિયાન વાવ પોલીસ સ્ટેશનની હદમાં આવતા દેથળી ગામના કેટલાક લોકોના બેંક ખાતાઓમાં કરોડો રૂપિયાના શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન નોંધાયા હતા.

મ્યુલ એકાઉન્ટ દ્વારા ચલાવાતું નેટવર્ક બહાર આવ્યું
વાવ પોલીસના પીએસઆઇ એમ.કે. વસાવા અને તેમની ટીમે તપાસ કરતાં ખુલ્યું કે આરોપીઓએ સંગઠિત રીતે સામાન્ય લોકોના બેંક ખાતાઓ ભાડે કે કમિશનના આધારે મેળવી મ્યુલ એકાઉન્ટ તરીકે ઉપયોગ કર્યા હતા.
આ ખાતાઓમાં સમગ્ર દેશમાં સાયબર ફ્રોડનો ભોગ બનેલા લોકો પાસેથી છેતરપિંડીના નાણાં જમા કરાવવામાં આવતા હતા. ત્યારબાદ આ નાણાં ઓનલાઈન બેંકિંગ મારફતે અન્ય ખાતાઓમાં ટ્રાન્સફર કરીને રોકડ અથવા ક્રિપ્ટો કરન્સીમાં કન્વર્ટ કરી સગેવગે કરવામાં આવતા હતા.
આ આરોપીઓ સામે નોંધાઈ ફરિયાદ
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે હસમુખભાઈ રામાભાઈ રાવલએ પોતાના ભાઈ સાથે મળીને અન્ય લોકોના ખાતા ભાડે લઈ આ નેટવર્ક ચલાવવાનું કાવતરું રચ્યું હતું.
આ મામલે નીચેના આરોપીઓ સામે વાવ પોલીસ મથકે ગુનો નોંધાયો છે:
- હસમુખભાઈ રામાભાઈ રાવલ (રહે. દેથળી)
- ગૌતમભાઈ રામાભાઈ રાવલ (રહે. દેથળી)
- વિપુલભાઈ ભગવાનભાઈ રાવલ (રહે. દેથળી)
- અતુલભાઈ અમરતભાઈ લુહાર (રહે. દેથળી)
- હિતેષભાઈ દેવરામભાઈ જોષી (રહે. દેથળી)
- હરસેંગભાઈ રામાભાઈ ચૌધરી (રહે. દેથળી)
પોલીસ વધુ તપાસમાં લાગી
વાવ પોલીસ દ્વારા આ સમગ્ર કેસમાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ નાણાં ક્યાંથી આવ્યા, કોને મોકલવામાં આવ્યા અને આ ગેંગ સાથે અન્ય કોણ જોડાયેલું છે તે દિશામાં તપાસ આગળ વધારવામાં આવી રહી છે.પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આ કેસમાં વધુ ખુલાસા થવાની શક્યતા છે.