બોટાદના લઠ્ઠાકાંડ બાદ સમગ્ર રાજ્યમાં દારૂબંધી અંગે સવાલો ઉઠી રહ્યાં છે. ભાજપની ગુજરાત સરકારને વિપક્ષો દ્વારા ચારેતરફથી લઠ્ઠાકાંડ મામલે ઘેરવામાં આવી રહ્યાં છે તો બીજી તરફ ભાજપના જ કાર્યકરો દારૂની મહેફિલ માણી રહ્યાં હોઈ તેવો વીડિયો વાયરલ થયો છે. સુરતમાં વોર્ડ નં. 16 પુણા (પશ્ચિમ) ના ભાજપના વોર્ડ પ્રમુખ જયસુખ ઠુમ્મર અને વોર્ડ નં. 16ના જ ભાજપના બક્ષીપંચ મોરચાના મહામંત્રી શાંતિલાલ સુતરીયા બોલિવુડ સોંગ સાંભળતા સાંભળતા દારૂની મહેફિલ માણતા કેમેરામાં કેદ થઈ ગયા છે. બંને જણા દારૂના ગ્લાસ પકડી વોટ, સફાઈ જેવા સ્થાનિક વિસ્તારના મુદ્દા અંગે ચર્ચા કરી રહ્યાં છે. બંને જણા કોઈ ઓફિસ જેવી જગ્યાએ બેઠા છે અને ગ્લાસમાં દારૂ ભરી પી રહ્યાં છે. આ બે ઉપરાંત મહેફિલમાં અન્ય બે જણા હોવાનું જણાઈ રહ્યું છે. વીડિયોમાં ભરી બરસાત મેં પી લેને દો હુઈ મહંગી બહોત હી શરાબ, જેવા સોંગ વાગી રહ્યાં છે. *પુણા વોર્ડના ભાજપના હોદેદારોની દારૂની મહેફીલનો વિડીયો વાયરલ થયો, વિડીયોમાં દેખી વ્યક્તિઓ વોર્ડ પ્રમુખ જયસુખ અ્ને બક્ષીપંચ મોરચા મહામંત્રી શાંતિલાલનો હોવાની ચર્ચા, વિડીયો ક્યાંનો છે તે સ્પષ્ટ નથી, મહેફિલમાં ચારેક જણા હોઈ તેવું જણાઈ છે, દારૂની મહેફિલ અંગે જયેશ ઠુમ્મરનો ઉડાઉ જવાબ.* પુણાના વોર્ડ પ્રમુખ જયસુખ ઠુમ્મર અને બક્ષીપંચ મોરચાના મહામંત્રીનો દારૂની મહેફિલનો વિડિયો સોશીયલ મીડીયામાં વાઈરલ થતા ખળભળાટ મચ્યો છે. દારૂનું સેવન કરી રહેલા બે શખ્સો પૈકી એક સુરતમાં વોર્ડ નંબર 16ના પુણાના ભાજપના પ્રમુખ જયસુખ ઠુમ્મર અને તેજ વોર્ડના બક્ષીપંચ મોરચાના મહામંત્રી શાંતિલાલ સુતરીયા હોવાનું કહેવાઈ રહ્યું છે. તેમની સામે બેઠેલા વ્યક્તિએ વિડિયો ઉતાર્યો હોવાનું જોવા મળે છે. હાલમાં લઠ્ઠાકાંડનો વિવાદ ભારે ચાલી રહ્યો છે ત્યારે આ વિડિયો કઇ જગ્યાનો છે ? અને વિડીયો તમારો છે કે નહી ? તે બાબતે જયસુખ ઠુમ્મરને ફોન પર પુછતા તેમણે જણાવ્યું હતું કે, આ વિડીયો ક્યાંનો છે તે ક્યાંથી યાદ હોય, અમે તો બહુ જગ્યાએ રખડતા હોઇએ છીએ.