નવી દિલ્હીઃ ઝિમ્બાબ્વે આ વર્ષે ઑક્ટોબર-નવેમ્બરમાં ઑસ્ટ્રેલિયામાં યોજાનાર ટી-20 વર્લ્ડ કપ માટે પણ ક્વોલિફાય થઈ ગયું છે. ઝિમ્બાબ્વેની સાથે નેધરલેન્ડની ક્રિકેટ ટીમ પણ આ ટૂર્નામેન્ટમાં સ્થાન મેળવવામાં સફળ રહી છે. આ સાથે જ વર્લ્ડ કપમાં ભાગ લઈ રહેલી તમામ 16 ટીમોને ફાઈનલ કરવામાં આવી છે. ઝિમ્બાબ્વે અને નેધરલેન્ડ વર્લ્ડ કપમાં રમનારી 15મી અને 16મી ટીમ બની ગઈ છે. T20 વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થયા બાદ ઝિમ્બાબ્વેના ખેલાડીઓમાં ખુશી જોવા મળી હતી અને ડ્રેસિંગ રૂમમાં અનોખી રીતે ટીમની સફળતાની ઉજવણી કરી હતી. તેનો વીડિયો ઝિમ્બાબ્વે ક્રિકેટ એસોસિએશને તેના ટ્વિટર એકાઉન્ટ પરથી શેર કર્યો છે.
ખેલાડીઓના ડ્રેસિંગ રૂમના ઝિમ્બાબ્વે ક્રિકેટ એસોસિએશન દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં જોવા મળે છે કે તમામ ખેલાડીઓ જમીન પર પોતાના બેટને જોરથી ટેપ કરી રહ્યા છે. આફ્રિકન દેશોના આદિવાસીઓની ખુશીની ઉજવણી કરવાની આ પરંપરાગત રીત છે. ક્રેગ એર્વિનની આગેવાની હેઠળની ઝિમ્બાબ્વે ટીમ માટે આ એક મોટી ઉપલબ્ધિ છે. ઝિમ્બાબ્વેની ટીમ ગયા વર્ષે UAEમાં યોજાયેલા T20 વર્લ્ડ કપ માટે ક્વોલિફાય કરી શકી નહોતી. ICCના 10 ટીમના નિયમને કારણે ઝિમ્બાબ્વે ઈંગ્લેન્ડ અને વેલ્સમાં 2019ના વર્લ્ડ કપમાં પણ જગ્યા બનાવી શક્યું નથી.
ક્વોલિફાયરની ફાઈનલ ઝિમ્બાબ્વે-નેધરલેન્ડ વચ્ચે રમાશે
ઝિમ્બાબ્વેએ શુક્રવારે T20 વર્લ્ડ કપ ક્વોલિફાયરની સેમી ફાઇનલમાં પાપુઆ ન્યૂ ગિનીને 27 રને હરાવી વર્લ્ડ કપમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. બીજી તરફ, નેધરલેન્ડ્સે તેની સેમિફાઇનલ મેચમાં અમેરિકાને હરાવીને ક્વોલિફાયરની ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. હવે T20 વર્લ્ડ કપ ક્વોલિફાયરની ફાઈનલ નેધરલેન્ડ અને ઝિમ્બાબ્વે વચ્ચે રમાશે, જે ટીમ ફાઈનલ જીતશે તે વર્લ્ડ કપમાં ગ્રુપ-બીમાં સ્થાન મેળવશે.
જ્યારે ઉપવિજેતા ટીમ ગ્રુપ Aમાં રહેશે. ગ્રુપ-બીમાં આયર્લેન્ડ, સ્કોટલેન્ડ અને બે વખતની ચેમ્પિયન વેસ્ટ ઈન્ડિઝ છે, જ્યારે ગ્રુપ-એમાં નામીબિયા, યુએઈ અને 2014ની ચેમ્પિયન ટીમ શ્રીલંકા છે. શ્રીલંકાની ટીમ સતત બીજા T20 વર્લ્ડ કપમાં ગ્રુપ સ્ટેજની મેચ રમશે.