યોગ એટલે મન, બુદ્ધિ, ચિત્ત અને આત્માની શાંતિનું અનુપમ સમાધાન : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, ભૌતિકવાદના આ વિશ્વમાં સમસ્ત માનવજાત તનાવમાં છે ત્યારે એકમાત્ર યોગ જ મન, બુદ્ધિ, ચિત્ત અને આત્માની શાંતિનું અનુપમ સમાધાન છે. યુવા પેઢી નિયમિત રૂપે ભારતીય યોગ વિદ્યાનું અનુસરણ કરે તો જીવનમાં અવશ્ય લાભ થાય તેમ છે.

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અચૂક નિયમિત રીતે યોગ અને પ્રાણાયામ કરે છે. તેઓ સંયમિત આહાર અને નિયમિત જીવનશૈલીના આગ્રહી છે. સંસ્કાર, સ્વાસ્થ્ય અને શિક્ષણના સદાય ચુસ્ત હિમાયતી શ્રી આચાર્ય દેવવ્રતજી દરેક વ્યક્તિ યોગને પોતાની દિનચર્યાનો ભાગ બનાવે એવો અનુરોધ કરતાં કહે છે કે, ધર્મ, અર્થ અને કામ કરતાં કરતાં મોક્ષ પ્રાપ્તિ માટે ઈચ્છુક વ્યક્તિ માટે ઉત્તમ સ્વાસ્થ્ય એ મુખ્ય આધારસ્તંભ છે. સંતુલિત ખાન-પાન અને નિયમિત દિનચર્યા જ ઉત્તમ સ્વાસ્થ્યનો આધાર છે. જો આપણે આવી જીવનશૈલી અપનાવીશું તો નિશ્ચિત રૂપે, સુખપૂર્વક, નિરોગી અને લાંબુ જીવન જીવી શકીશું.

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, આપણા યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિશ્વ કલ્યાણ અને માનવતાની ભલાઈ માટે યોગને વિશ્વ વ્યાપક બનાવી દીધા. તેમના જ પ્રયાસોથી આજે ૨૧મી જૂન વિશ્વ યોગ દિવસ તરીકે પ્રતિષ્ઠિત છે. આ માટે આપણે શ્રી નરેન્દ્રભાઈ મોદીના આભારી છીએ. ચિત્તની પ્રવૃત્તિઓના નિરોધનું નામ જ યોગ, એમ કહીને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ યોગને જીવનનો એક ભાગ બનાવવા સમસ્ત માનવ જાતને આગ્રહ કર્યો હતો.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exit mobile version