ગુજરાતમાં 15 જૂન સુધી ચોમાસાનું આગમન, બે-ત્રણ દિવસમાં કાળઝાળ ગરમીમાંથી રાહત મળશે

 

Gujarat Monsoon: સમગ્ર દેશ ભીષણ ગરમીનો સામનો કરી રહ્યો છે. દેશના મોટા ભાગના રાજ્યોમાં તાપમાનનો પારો 40 ઉપર પહોંચી ગયો છે. ગુજરાતમાં પણ છેલ્લા ઘણાં દિવસથી આકાશમાંથી અગનવર્ષા થઈ રહી છે. લોકો કાગડોળે  વરસાદની રાહ જોઈ રહ્યા છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા રાહતના સમાચાર આપતા કહ્યું છે કે, ગુજરાતમાં ચોમાસું બે દિવસ વહેલું પહોંચી શકે છે. એક અઠવાડિયા બાદ દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં વરસાદ પડવાની શરૂઆત થઈ જશે.

સાતમી જૂનથી રાજ્યમાં પ્રિ મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે

આ વર્ષે ગુજરાતમાં 13થી 15 જૂન સુધી ચોમાસાનું આગમન થશે. રાજ્યમાં સત્તાવાર રીતે ચોમાસું જૂનના 15 દિવસ પછી જ શરૂ થાય છે. હવામાન વિભાગના જણાવ્યાનુસાર, આગામી બે-ત્રણ દિવસમાં લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળશે કારણ કે, ત્યાં સુધી પ્રતિ કલાક 25 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવાનો શરૂ થઈ જશે. આ દરમિયાન સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને કચ્છ સહિતના વિસ્તારોમાં આંધી-વંટોળ ફૂંકાશે. ત્યારબાદ સાત જૂન સુધી પ્રિ મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે અને 15 જૂન સુધી રાજ્યમાં ચોમાસું સક્રિય થઈ જશે.

રાજ્યના કેટલાક વિસ્તારોમાં બે દિવસ આંધીની સ્થિતિ 

જો પ્રિ મોન્સૂન એક્ટિવિટી શરૂ થાય તે પહેલા રાજ્યમાં છુટોછવાયો વરસાદ પડી શકે છે. આ સાથે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને કચ્છ સહિતના વિસ્તારોમાં આંધી-વંટોળ પણ ફૂંકાશે. જો કે ત્યાર પછી પણ ચારથી પાંચ દિવસ સુધી રાજ્યમાં ગરમીની સાથે કેટલાક વિસ્તારોમાં ઝડપી પવન ફૂંકાવાનો ચાલુ રહેશે. ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રમાં પવનની ગતિ વધારે રહેવાની સંભાવના છે. આ દરમિયાન ગરમી અને ભારે ઉકળાટમાં ક્રમશઃ ઘટાડો થઈ જશે.

રાજ્યમાં ચોમાસું ખૂબ જ સારું રહેશે: હવામાન વિભાગ 

હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં ચોમાસું ખૂબ સારું રહેશે. નોંધનીય છે કે, દેશમાં 30 મેના રોજ ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. કેરળ અને પૂર્વોત્તરનાં રાજ્યોમાં ચોમાસું શરૂ થઈ ગયું હતું.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exit mobile version