AAPના આવવાથી ગુજરાતમાં ભીંસ પડી:AMCની 13 સ્માર્ટ સ્કૂલો તૈયાર, 7 બની રહી છે અને 28 સ્કૂલ બનશે, એક સ્કૂલનો 1.50 કરોડ ખર્ચ કરશે

દિલ્હી-ગુજરાતના શિક્ષણ વચ્ચે વિવાદ બાદ ગુજરાતનું શિક્ષણ વિભાગ વધુ સક્રિય થયું સ્થાનિક આગેવાનો, પ્રતિનિધિની રજુઆત મુજબ તે વોર્ડમાં સ્કૂલ બનાવવામાં આવશે દિલ્હી અને ગુજરાતના શિક્ષણ વચ્ચે થોડા સમય અગાઉ જે વિવાદ થયો હતો તે બાદ હવે ગુજરાતનું શિક્ષણ વિભાગ વધુ સક્રિય થયું છે.

સ્કૂલોની સ્થિતિ સુધારવા કામગીરી શરૂ કરવામાં આવી છે. અમદાવાદમાં અત્યારે સુધી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા યુદ્ધના ધોરણે 13 સ્માર્ટ સ્કૂલ બનાવવામાં આવી છે હજુ 7 સ્માર્ટ સ્કૂલ બની રહી છે જ્યારે તે ઉપરાંત અન્ય 28 સ્માર્ટ સ્કૂલ બનાવવામાં આવશે. AMC પાસે સ્માર્ટ સ્કૂલો માટે 70 કરોડનું બજેટ અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ પાસે સ્માર્ટ સ્કૂલ બનાવવા 70 કરોડનું બજેટ છે. જેમાંથી અત્યાર સુધી 13 સ્માર્ટ સ્કૂલ બનાવીને શરૂ પણ કરી દેવાઈ છે અને હજુ 7 સ્કૂલ બની રહી છે. એક સ્કૂલ બનાવવા માટે 1.50 કરોડથી વધુ રકમનો ખર્ચ થાય છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના 48 વોર્ડ છે જેમાંથી 20 વોર્ડમાં સ્કૂલ તૈયાર થઈ છે જ્યારે હજુ 28 વોર્ડ બાકી છે જેમાં સ્થાનિક આગેવાનો તથા પ્રતિનિધિની રજુઆત મળે તે મુજબ તે વોર્ડમાં સ્કૂલ બનાવવામાં આવશે. ધો.5થી 8ના બાળકો માટે લેપટોપ મૂકાયા નવી સ્માર્ટ સ્કૂલ ખાનગી સ્કૂલોને પણ ટક્કર આપે તે પ્રકારની છે. આ સ્કૂલમાં આવતા જ સ્કૂલની દીવાલો પર જાત જાતના ચિત્રો છે જે બાદ વર્ગ રૂમમાં પણ બાળકોને સરળતાથી સમજણ પડે તે માટે લાગતા વળગતા વિષયોના પોસ્ટર લગાવવામાં આવ્યા છે. 5 થી 8 ધોરણના બાળકો માટે અલગ અલગ લેપટોપ રાખવામાં આવ્યા છે જેમાં બાળકો પોતાના લોગઇન આઈડી અને પાસવર્ડ દ્વારા લેપટોપ ચાલુ કરીને ભણી શકે. બાળકો માટે ગણિત અને વિજ્ઞાનની લેબ પણ બનાવવામાં આવી છે. આ ઉપરાંત બાળકોને પુસ્તક અને મધ્યાહન ભોજન પણ આપવામાં આવે છે. સ્માર્ટ સ્કૂલમાં બાળકોને ભણવામાં રસ ઊભો કરે તેવા રૂમ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્માર્ટ સ્કૂલ ખાનગી સ્કૂલોને ટક્કર આપે તે પ્રકારની બનાવાઈ છે. સ્માર્ટ સ્કૂલમાં અલગ અલગ પ્રકારના વર્ગ તૈયાર કરવામાં આવ્યા છે. નાના બાળકો માટે 3D વર્ગ, બાળકો માટે ગેમ અને કાર્ટૂન આધારિત ફ્રેન્સી બેંચો, ફ્યૂચર ક્લાસરૂમ, ગણિત અને વિજ્ઞાનની લેબ, મલ્ટી પ્લે-સ્ટેશન, ટેલિસ્કોપ, સાયન્સ લેબ,પ્લાનેટેરિયમ સહિતની સુવિધા ઊભી કરવામાં આવી છે. દરેક સ્માર્ટ સ્કૂલમાં 300-400 બાળકો અભ્યાસ કરે છે અત્યારે જે સ્માર્ટ સ્કૂલ બનાવવામાં આવી છે તેમ દરેક સ્માર્ટ સ્કૂલમાં 300-400 બાળકો અભ્યાસ કરે છે. જ્યારે નવી 28 સ્માર્ટ સ્કૂલ બનશે ત્યારે સમગ્ર અમદાવાદના તમામ વોર્ડમાં એક સ્માર્ટ સ્કૂલ હશે. 28 સ્કૂલ બનતા નવા 10,000 જેટલા વિદ્યાર્થીઓને તેનો લાભ થશે. અત્યારે નવી સ્માર્ટ સ્કૂલ બનાવવા માટે ટેન્ડર પ્રક્રિયા ચાલી રહી છે તે પુરી થતા જ સ્કૂલ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવશે અને ખૂબ ઝડપથી સ્માર્ટ સ્કૂલ ઉભી કરવામાં આવશે. તમામ ઝોનમાં એક સ્માર્ટ સ્કૂલ આપવાનો ટાર્ગેટ આ અંગે સ્કૂલ બોર્ડના ચેરમેન સુજય મહેતાએ જણાવ્યું હતું કે, અમે અત્યારે 20 સ્માર્ટ સ્કૂલ સુધી પહોંચવા આવ્યા છીએ. અમારો ટાર્ગેટ તમામ વિસ્તારને એક સ્માર્ટ સ્કૂલ આપવાનો છે. અત્યારે અમે જે પ્રતિનિધિ અને સ્થાનિક આગેવાનની માંગણીઓ હોય તેને પ્રાથમિકતા આપીને ત્યાં સ્માર્ટ સ્કૂલ બનાવવા પ્રયત્ન કરી રહ્યા છીએ. અમે ટૂંક જ સમયમાં શહેરમાં તમામ વિસ્તારમાં એક-એક સ્માર્ટ સ્કૂલ ઉભી કરી દઈશું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *