વાવ: વાવ થરાદ જિલ્લાના વાવ તાલુકામાં રવિવારે સાડા અગિયાર વાગ્યાની આસપાસ નવા બસ સ્ટેશન સામે આવેલી શોપિંગ સેન્ટરમાં આવેલી કેશર કૃપા સ્ટેશનરી એન્ડ ઝેરોક્ષ દુકાનમાં આકસ્મિક રીતે આગ લાગી હતી. આગ લાગતા વિસ્તારમાં અફડાતફડી મચી ગઈ હતી.

માહિતી અનુસાર, દુકાન માલિક પંડ્યા જગદીશભાઈ દુકાન બંધ કરી લગ્ન પ્રસંગમાં જમણવાર માટે ગયા હતા. આ દરમિયાન દુકાનમાંથી અચાનક ધુમાડાના ગોટેગોટા નીકળતા સ્થાનિક લોકોએ તાત્કાલિક યુજીવીસીએલને જાણ કરી વીજ પુરવઠો બંધ કરાવ્યો હતો.
પછી આજુબાજુના દુકાનદારો અને લોકોએ દોડી આવી શટર ખોલતાં દુકાનમાં વિકરાળ આગ ભભૂકી રહી હતી. આગની લપેટમાં ઝેરોક્ષ મશીન, લેમિનેશન મશીન, કમ્પ્યુટર, ફર્નિચર અને સ્ટેશનરીનો સામાન બળી ખાખ થઈ ગયો હતો. લોકોએ આસપાસથી પાણી લાવી આગ પર કાબુ મેળવ્યો હતો.

આ ઘટનામાં દુકાન માલિકને લાખો રૂપિયાનું નુકસાન થયાનું અનુમાન છે. પંડ્યા જગદીશભાઈએ જણાવ્યું હતું કે દુકાનમાં રહેલો વાવ ગ્રામપંચાયતનો લેમિનેશન માટે આવેલ સરકારી રેકોર્ડ પણ આગમાં બળી ગયો છે.
આગના કારણ અંગે હજી સુધી સ્પષ્ટ માહિતી સામે આવી નથી, પરંતુ પ્રાથમિક રીતે શોર્ટ સર્કિટની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.