ભારત પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદે સુઈગામ નડાબેટ ખાતે પાંચ વર્ષથી બોર્ડર ટુરિઝમ ક્ષેત્રે ખૂબ જ વિકાસ થઈ રહ્યો છે.ત્યારે સરહદી વિસ્તારમાં વિકાસનાં દ્વાર ખુલી ગયાં છે.સતત ધમધમતા આ વિસ્તારમાં હવે સ્થાનિક લોકોને પણ રોજગારીની વિવિધ તકો મળશે. સરહદી સુઈગામ બોર્ડર પર જે રીતે અટારી અને વાઘા બોર્ડર પર બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF) જવાનોના જુસ્સા અને દેશભક્તિના દર્શન પ્રવાસીઓ કરે છે તેવી જ વ્યવસ્થા હવે ગુજરાતમાં ઉભી કરવામાં આવી છે. એટલે કે ગુજરાતમાં ભારત અને પાકિસ્તાનની બોર્ડર પર પહેલો સીમા દર્શન પોઈન્ટ ઉભો કરવામાં આવ્યો છે. જેને જાહેર જનતા માટે આગામી 10 તારિખે દેશ ના ગૃહ મંત્રી અમિતભાઈ શાહ અને ગુજરાત ના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તેમજ તેમના મંત્રી મંડળ સાથે રહી 125 કરોડ ના ખર્ચે લોકાર્પણ કરી ખુલ્લો મૂકવામાં આવશે. આ સીમા પોઈન્ટ પર બીએસએફના જવાનો દ્વારા પરેડ કરવામાં આવશે એટલે કે જે પ્રકારનો જવાનો જુસ્સો પ્રવાસીઓને અટારી અને વાઘા બોર્ડર પર જોવા મળે છે તેવું જ હવે ગુજરાતમાં પણ જોવા મળશે.

પાકિસ્તાન સાથે ગુજરાતનો પાણી અને જમીનથી મોટો ભાગ પાકિસ્તાનની બોર્ડર સાથે જોડાયેલો છે, ત્યારે ગુજરાત ટુરિઝમ દ્વારા પ્રવાસીઓને એક નવી જગ્યા જોવા અને માણવા મળે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.બનાસકાંઠા સુઈગામમાં પાકિસ્તાન સાથે જોડાયેલી ગુજરાતની બોર્ડર પર જવાનોનો રૂંવાડા ઉભા કરી દે તેવો જુસ્સો જાહેર જનતાને નિહાળવાનો મોકો મળશે અને બોર્ડરની નજીક જવાની પણ એક અદ્દભુત અનુભુતિ થશે.અહીં 125 કરોડનાં ખર્ચે નડાબેટ સીમાદર્શન પોઈન્ટ ઉભો કરવામાં આવ્યો છે. ભારત-પાકિસ્તાન બોર્ડરની નજીક આ વિશાળ પોઈન્ટ ઉભો કરવા માટે BSF અને રાજ્યના R&B વિભાગે પણ ગુજરાત ટુરિઝમ ડિપાર્ટમેન્ટની મદદ કરી છે.આ સ્થળ પર રોજ સાંજે બીએસએફ દ્વારા પરેડ કરવામાં આવશે જ્યાં જવાનોનાં શૌર્યને પ્રવાસીઓ માણી શકશે.અને લોકો પણ દેશભક્તિનાં રંગે રંગાશે,બોર્ડર પર બીએસએફ કઈ રીતે કામગીરી કરે છે તે પણ પ્રવાસીઓ અહીં આવીને જાણી શકશે. અહીં મ્યુઝિયમ સહિતની પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે.